NATIONAL

મોદી સરકાર CJI થી ડરીને ચૂંટણી કમિશનરની નિમણૂકમાંથી CJIને દૂર કરતું બિલ લાવી રહી છે

લોકસભા અને રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પસાર કર્યા બાદ કેન્દ્ર સરકાર હવે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ લાવવાની તૈયારી કરી રહી છે. આને લગતું એક બિલ સરકાર દ્વારા રાજ્યસભામાં રજૂ કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે નવી ટક્કર શરૂ થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર એક એવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે કે જેની મદદથી ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ને દેશના ટોચના ચૂંટણી અધિકારીઓની નિમણૂક પ્રક્રિયામાંથી બહાર કરી દેશે. મુખ્ય ચૂંટણી કમિશનર, અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવા શરતોઅ ને કાર્યકાળની મુદ્દત) બિલ, 2023 આજે રાજ્યસભામાં રજૂ થઈ શકે છે.

બિલમાં શું છે જોગવાઈ? 

આ બિલમાં પ્રસ્તાવ મૂકાયો છે કે ચૂંટણીપંચના ટોચના અધિકારીઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નોમિનેટ એક કેન્દ્રીય કેબિનેટમંત્રીની સમિતિની ભલામણ પર કરાશે. તેમાં જણાવાયું છે કે વડાપ્રધાન આ સમિતિનું નેતૃત્વ કરશે.

બિલનો ઉદ્દેશ્ય શું છે? 

ખરેખર બિલનો ઉદ્દેશ્ય સુપ્રીમકોર્ટના માર્ચ 2023ના ચુકાદાને નબળો કરવાનો છે જેમાં માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટની એક બંધારણીય બેન્ચે કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક, ચૂંટણી કમિશનરોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની સમિતિની ભલામણના આધારે કરાશે.

અનેક મામલે સુપ્રીમકોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ 

આ બિલ સુપ્રીમકોર્ટ અને કેન્દ્ર વચ્ચે નવેસરથી વિવાદ ઊભો કરવાની પૃષ્ઠભૂમિ તૈયાર કરી શકે છે. જજોની નિમણૂકથી લઈને દિલ્હી સેવા એક્ટ જેવા વિવાદિત કાયદા સુધી અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર અને સુપ્રીમકોર્ટ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. દિલ્હી મામલે સુપ્રીમકોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં જમીન, જાહેર વ્યવસ્થા અને પોલીસ સિવાય તમામ સેવાઓને નિયંત્રિત કરશે.

શું હતો સુપ્રીમ કોર્ટનો નિર્ણય

સુપ્રીમ કોર્ટે માર્ચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂકમાં વહીવટી હસ્તક્ષેપ ઘટાડવાના હેતુથી સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે તેમની નિમણૂકો વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે.

જસ્ટિસ કેએમ જોસેફની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે સર્વસંમતિથી ચુકાદામાં કહ્યું હતું કે જ્યાં સુધી આ મુદ્દે સંસદમાં કાયદો ન બને ત્યાં સુધી આ ધોરણ અમલમાં રહેશે. ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે 65 વર્ષની વય પૂર્ણ કર્યા બાદ આવતા વર્ષે 14 ફેબ્રુઆરીએ નિવૃત્ત થશે. 2024ની લોકસભા ચૂંટણીની સંભવિત જાહેરાતના થોડા દિવસો પહેલા તેઓ નિવૃત્ત થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!