Lodhika: લોધિકામાં નગર પીપળીયા સેજાનો “પોષણ ઉત્સવ ૨૦૨૫” યોજાયો
તા.૧૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Lodhika: રાજકોટ જિલ્લામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે લોધિકામાં નગર પીપળીયા સેજાનો “પોષણ ઉત્સવ ૨૦૨૫” યોજાયો હતો. આ ઉત્સવમાં ટી.એચ.આર. તેમજ મિલેટ્સમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
સ્પર્ધામાં કાર્યકર અને લાભાર્થી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા અંતર્ગત વિજેતાને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. રાજકોટ શહેર અને જિલ્લામાં બાળકો કુપોષિત ન રહે, કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો ટી.એચ.આર પેકેટ્સમાંથી અલગ અલગ પોષણયુક્ત વાનગી બનાવે તે માટે બહેનોને માહિતગાર કરાયા હતા.
રાજ્ય સરકાર દ્વારા “પોષણ અભિયાન”ની સાથે સાથે “મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન”ને પણ આગળ વધારવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં નાગરિકો મેદસ્વિતામુક્ત બની સ્વસ્થ જીવન જીવે તેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. તેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજીને દૈનિક આહારમાં જાડા ધાન્યનો ઉપયોગ વધારવા અને ભોજનમાં ખાંડ તેમજ તેલનો વપરાશ ઓછો કરવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.