RAMESH SAVANI

Ramesh Savani : ‘પારકા દુ:ખે દુ:ખી થવું એ જ માનવધર્મ છે !’

[ભાગ-2]
છગનભાઈ પટેલ ચાર રાજ્યોની ધારાસભાઓમાં હતા. 1946માં ભાવનગર રાજ્યમાં જવાબદાર રાજતંત્રની ધારાસભામાં, રાજ્યના ઉમેદવાર સામે પ્રજા પરિષદના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. 1949માં સોનગઢ-લાઠી-લીલિયા ક્ષેત્રમાંથી સૌરાષ્ટ્રની બંધારણસભાના સભ્ય બન્યા. 1952માં સોનગઢ-ઉમરાળામાંથી સૌરાષ્ટ્રની ધારાસભામાં ચૂંટાયા. 1956માં બોટાદ વિસ્તારમાંથી દ્વિભાષી મુંબઈ રાજ્યની વિધાનસભા માટે ચૂંટાયા. 1956માં સૌરાષ્ટ્ર રાજ્ય દ્વિભાષી મુંબઈ રાજ્યમાં વિલીન થયું હતું. 1 મે 1960ના રોજ, સ્વતંત્ર ગુજરાત રાજ્ય અમલમાં આવતાં ગુજરાત વિધાનસભામાં પણ રહ્યા !
આઝાદી પહેલાં સૌરાષ્ટ્ર આખું રાજકીય રીતે વેરણ-છેરણ હતું. કોઈ પ્રદેશ રાજ્યનો હતો, કોઈ એજન્સીનો હતો, કોઈમાં સીધું બ્રિટિશ શાસન હતું. એક ગામમાં ચોરી/ ઢોર ચોરી/ લૂંટ/ ભેલાણ કરી બીજા ગામમાં આશરો લ્યે તેને કોઈ પકડી શકતું નહીં. બન્યું એવું કે ચોગઠના રુડાભાઈ માવજીભાઈ મોણપરાના હાથી જેવા બે બળદની ચોરી થઈ. આખું ગામ ભેગું થયું. છગનભાઈએ 200 જેટલા ખેડૂતોને લાકડીઓ સાથે તૈયાર કર્યા. બાતમી મળી કે પાસેના મગલાણા ગામે બળદને રાખ્યા છે. પરંતુ મગલાણા ગામ એજન્સીનું હતું, ત્યાં જવું કઈ રીતે? વળી બળદ લઈ જનાર માથાભારે ઈસમો હતા. તેની સાથે બાથ ભીડવાનું કામ ભયંકર હતું. ક્યારે શું થશે તે કલ્પી શકાય તેવું ન હતું. છતાં 200 ખેડૂતોએ મગલાણા ગામ ફરતે એકધારા 24 કલાક સુધી ભૂખ્યાં-તરસ્યા માનવ-સાંકળ બનાવી. આખરે માથાભારે તત્વોએ બળદને છોડી મૂકવા પડ્યા ! તે સમયે આવી પ્રવૃતિ કરવી તે જાનના જોખમરુપ હતું. કોણ, ક્યારે, ક્યાં ખૂન કરી નાખે તે નક્કી નહીં. એક ઠેકાણે ખૂન કરી બીજા રાજ્યની હદમાં ચાલ્યા જાય. ખબર હોય છતાં પકડી શકાય નહીં.
સીમ ભેલાણની સમસ્યા હતી. કોઈ ખેડૂત માલધારીઓનો સામનો કરી શકતો નહીં. રાજ પણ તેમાં મદદ કરી શકે નહીં. ચોગઠ આજુબાજુ એજન્સીના ગામો હતા. માલધારીઓ ભેલાણ કરી એજન્સીની સીમમાં માલઢોર ઊભા રાખે. કપાસમાં ફાટફાટ જીંડવા હોય અને તેમાં માલઢોર મૂકી દે, ખેતર સાફ થઈ જાય. ખેડૂત બિચારો ઊભો ઊભો રોવે ! 1938માં, ભાવનગરથી વલ્લભીપુર સુધી પાટીનાં સુરા ભરવાડની રાડ હતી. સુરો દસ જણાને એકલો ભારે પડે. ભલભલા પોલીસ પણ નજીક જતા ડરે. આવો માથાભારે અને બળુકો આદમી. તેનો માલ ડબામાં પૂરી શકાતો નહીં. એક વખત તેણે ચોગઠની સીમમાં ભેલાણ કર્યું. 24 વરસના છગનભાઈએ 10 જુવાનોને તૈયાર કર્યા. જુવાનો સુરા પર ત્રાટક્યા. તેને પકડી ચોગઠ ગામના દરબારી ઉતારે લાવ્યા. ભાવનગરના દિવાન પ્રભાશંકર પટ્ટણીને જાણ કરી. દિવાને અભિનંદન આપ્યા. એ પછી ભેલાણ બંધ થયું. સીમ ચોરી અટકાવવા છગનભાઈએ ‘સીમ સુરક્ષા યોજના’ ઘડી હતી. ગામના પ્રતિષ્ઠિત અને સર્વમાન્ય એવા 8 વડીલોની એક મુખ્ય કમિટી હતી. ચાર દિશાઓ માટે ચાર વ્યવસ્થાપક. દરેક વ્યવસ્થાપક ચાર-ચાર રખેવાળો રાખે. કુલ પાંચ જણાની ટુકડી બને. દરેક ટુકડીને દરરોજ નવી નવી દિશાની રખેવાળી કરવાની આવે. સાંજના ચારેક વાગ્યે વ્યવસ્થાપક પોતાની દિશાના પાદરે બેસે. શકમંદ માણસને ટપારે. તપાસે. સીમમાંથી ઘાંસની ગાંસડીમાં કોઈ સંતાડીને કશું લાવ્યા તો નથી ને ! કોઈ પકડાય તો તેને શો દંડ કરવો તે માટે રાત્રે પાદરમાં કે કાળુભાર નદીમાં કમિટી ભેગી થાય. મુખ્ય કમિટી દંડ નક્કી કરે. આ યોજના કારગત નીવડી.
1940માં છગનભાઈની ઉંમર 26 વર્ષની. એ સમયે માથાભારે અલારખા મિયાણો ગામે ગામ જઈને લાગો ઉઘરાવતો. કદાવર શરીર, બે-ચાર જણની બાથમાં ય ન આવે. મોટી મૂંછો અને દાઢીનું ઝૂંડ. ડરામણો લાગે. એક દિવસ ચોગઠના ખેતરમાં તેણે ધામા નાખ્યા અને લાગો માગ્યો. માગણી મોટી હતી, ગામને પોસાય તેમ ન હતી. આગેવાનોએ દાણ ઓછું કરવા કહ્યું પણ અલારખા માન્યો નહીં, અને ચેતવણી આપી કે ‘લાગો નહીં આપો તો ગામમાં લૂંટ કરીશ !’ ગામ આગેવાનોએ છગનભાઈને વાત કરી. સૌ પહોંચ્યા અલારખા પાસે. છગનભાઈએ અલારખાને મક્કમતાથી કહ્યું : ‘ભાઈ, તમારી પાસે છે એવાં જ સાધનો અમારી પાસે ગામમાં પડ્યાં છે. અને સાથે પણ લાવ્યા છીએ. તમારી પાસે જે બંદૂક છે તે લોકોના રક્ષણ માટે છે, બીવડાવવા માટે નહીં. તમારી પાસે હશે એના કરતાં ત્રણ ગણા તૈયાર માણસો અમારી પાસે છે. બોલો, હવે શું નિર્ણય કરો છો?’ અલારખાએ અંદાજ માંડી લીધો. આ ચોગઠ આ વખતે કાંક જુદી જાતનું જણાય છે ! તેણે કહ્યું : ‘તો પછી સમાધાન ! બીજું શું !’ એ પછી અલારખા ચોગઠમાં ક્યારેય મે’માન થયો નહીં ! લોકો જ્યારે અનિષ્ટ સામે સંઘર્ષે ચડે છે ત્યારે એ વિચારપૂર્વકનું પગલું હોય છે, મરણિયાપણાનું નહીં. લોકો પોતાના નેતૃત્વના ચરિત્રને જુએ છે. જો ચરિત્ર હલકું લાગે તો લોકો સંઘર્ષ ટાળે છે અને સ્થિતિ સાથે સમાધાન કરી લે છે. જો ચરિત્ર બલિષ્ઠ દીસે તો જ પોતે સંઘર્ષના માર્ગે ચડે છે. છગનભાઈનું બલિષ્ઠ ચરિત્ર હતું તેથી લોકોમાં વિશ્વાસ પ્રગટ્યો હતો, એટલે લોકોએ ગમે તેવડા તાકાતવર અનિષ્ટ સામે સંઘર્ષ કરતાં બિલકુલ આંચકો અનુભવ્યો ન હતો, સરવાળે સ્થિતિ બદલવામાં સફળ થયાં. એ એમના ચરિત્રનો પ્રભાવ હતો.
આઝાદી આવ્યા બાદ રજવાડાઓનું વિલિનીકરણ થયું. સૌરાષ્ટ્રના 202 જેટલાં રજવાડાંને ભેગા કરી ‘સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજ્ય’ બનાવવામાં આવ્યું. સામંતશાહીની નાબૂદી અને સામાજિક ન્યાયની સ્થાપના માટે ગણોતધારો/ ગિરાસદારી નાબૂદી/ ખેડે તેની જમીન જેવા કાયદાઓની રચના વખતે છગનભાઈએ સક્રીય ભૂમિકા ભજવી. તે વખતે સૌરાષ્ટ્ર સરકારના પ્રધાનો, ધારાસભ્યો તથા કાર્યકરોના જીવ જોખમમાં હતા. ખોળામાં ખાંપણ લઈને બહાર નીકળવાનો સમય હતો. ક્યારે ક્યાં ધાડ પડે, ખૂનામરકી થાય તે નક્કી જ નહીં. વલ્લભીપુરથી રાતના ઉતરી ચોગઠ ચાલતા જવાનું. વચ્ચે એજન્સી અને દરબારનું ગામ પાટી આવે. ઉમરાળાથી રાતના ઉતરી ચોગઠ જવામાં વચ્ચે દરબારી ગામ રતનપર આવે. ભાવનગરથી ચોગઠ આવતા વચ્ચે દરબારી ગામ ચમારડી આવે. છતાં જરુર પડે ત્યારે દોડીને જવામાં તેમણે હીચકીચાટ અનુભવ્યો નહીં. સૌરાષ્ટ્રના 4000 ગામડાંમાંથી 1700 ગામમાં જમીન સુધારણા કાયદાથી આગ લાગી હતી, તે જ્વાળા ગમે તેવાને ભરખી જાય તેવો ભયંકર સમય હતો. આ સમયે અનેક આગેવાનોના ખૂન થયાં. છતાં ક્યારેય છગનભાઈએ કોઈ પોલીસની મદદ માગી ન હતી કે પોલીસ રક્ષણ માગ્યું ન હતું ! માતા સોનબા રાતે પ્રવાસ નહીં કરવાનું કહેતા. છગનભાઈ માતાને આશ્વાસન આપતા : “મા, મારા જેવા અનેકની આહુતિ લેવાતી હોય ત્યારે હું બીકનો માર્યો ઘેર કેમ બેસી શકું? જો કુદરતે નક્કી કર્યું હશે તો હું પથારીમાં પણ સલામત નથી. પારકા દુ:ખે દુ:ખી થવું એ જ માનવધર્મ છે ! આજે હું બીજાને હૂંફ ન આપી શકું તો મારી કીર્તિમાં કલંક લાગે. તમે આવું ઈચ્છો છો?” અને માતાનું મન માની જતું !rs [ફોટો : ચોગઠ ખાતે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉછરંગરાય નવલશંકર ઢેબર સાથે ચર્ચા કરતા ધારાસભ્ય છગનભાઈ પટેલ]
May be an image of 3 people

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!