DANGGUJARAT

ડાંગના ૩૧૧ ગામોમાં ૩૧૯ સ્થળોએ ઉભા કરાયેલા ૩૨૯ મતદાન મથકોએ ૧,૯૭,૦૦૮ મતદારો કરશે મતદાન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

૨૬-વલસાડ (એસ.ટી) સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૭૩-ડાંગ (એસ.ટી) વિધાનસભા મતદાર મંડળમાં નોધાયેલા ૯૮ હજાર ૬૨૫ પુરુષ, ૯૮ હજાર ૩૮૧ સ્ત્રી મતદારો સાથે બે જેટલા થર્ડ જેન્ડર મતદારો મળી કુલ ૧ લાખ ૯૭ હજાર ૦૦૮ મતદારો, તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

ડાંગ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર શ્રી મહેશ પટેલની આગેવાની હેઠળ જિલ્લા ચુંટણી તંત્રે ડાંગ જિલ્લાના ૩૧૧ ગામોમાં ૩૧૯ સ્થળોએ ૩૨૯ જેટલા મતદાન મથકો ઉભા કર્યા છે. આ તમામ મતદાન મથકો પૈકી, સંદેશા અને વાહન વ્યવહારની દ્રષ્ટીએ દુર્ગમ કહી શકાય તેવા ૩૩ જેટલા મતદાન મથકો શેડો એરિયા તરીકે, અને ૧૬૫ મતદાન મથકો ક્રિટીકલ મતદાન મથક તરીકે અલગ તારવી, અહી વિશેષ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

ચુંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર કુલ મતદાન મથકોના ૫૦ ટકા મુજબ જિલ્લાના ૧૬૫ જેટલા મતદાન મથકો ખાતે લાઈવ વેબકાસ્ટિંગની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેનું મોનિટરીંગ જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતેથી કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. સાથે સાથે જિલ્લા કક્ષાએ કમ્પ્લેઇન મેનેજમેન્ટ અને મીડિયા મોનિટરીંગ અંગે પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે. સોશિયલ મીડિયાના મોનિટરીંગ માટે પણ તંત્ર એલર્ટ મોડમાં છે.

મતદાન મથકો ઉપર મતદારોની અનપેક્ષિત ભીડ ન થાય તે માટે જિલ્લાના ૧૦૦૦ થી વધુ મતદારો ધરાવતા ૩૭ મતદાન મથકો ઉપર બી.એલ.ઓ. દ્વારા ક્યુ મેનેજમેન્ટ કરવામાં આવશે. અહી સગર્ભા સ્ત્રીઓ, દિવ્યાંગ મતદારો, તથા અશક્ત અને વૃદ્ધ મતદારોને પ્રથમ મતદાન કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. દરમિયાન દરેક મતદાન મથકો ઉપર સંભવિત હીટ વેવની સ્થિતિને પહોંચી વળવા માટે, મતદારો માટે છાંયડાની સુવિધા સાથે પીવાનું પાણી, તબીબી સહાય જેવી સગવડ પણ ઉપલબ્ધ કરાવાશે.

આ સાથે જિલ્લામાં ઉભા કરાયેલા વિશેષ મતદાન મથકો જેવા કે એક મોડેલ મતદાન મથક (૧૮૨-આહવા : યુ-૧૧), દિવ્યાંગ સંચાલિત મતદાન મથક (૧૭૨-આહવા : યુ-૧), યુવા મતદાન મથક (૨૦૦-વઘઈ : યુ-૪), તથા સાત જેટલા સખી મતદાન મથકો (૧) ૧૭૧-બોરખેત, (૨) ૧૭૬-આહવા : યુ-૫, (૩) ૧૮૦-આહવા : યુ-૯, (૪) ૧૨૦-કૂકડનખી, (૫) ૨૦૨-દોડીપાડા, (૬) ૯૧-લવચાલી, અને (૭) ૯૨-ગાયગોઠણ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ પ્રચાર પ્રસારના કાર્યક્રમો પણ હાથ ધરાયા હતા. ઉલ્લેખનીય છે કે, ૧૭૩-ડાંગ (એસ.ટી.) વિધાનસભા મતદાર વિસ્તારમાં ગત લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૯ દરમિયાન ૮૧.૨૩ ટકા મતદાન નોંધાવા પામ્યું હતું. જયારે ૨૦૨૦ માં યોજાયેલી વિધાનસભાની પેટા ચુંટણીમાં અહી ૭૩.૭૧ ટકા, અને સને ૨૦૨૨ ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ૬૮.૦૯ ટકા મતદાન નોંધાવા પામ્યું હતું.

૨૬-વલસાડ (એસ.ટી.) સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૭૩-ડાંગ (એસ.ટી.) વિધાનસભા મતદાર મંડળ માટે નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર શ્રી તરન પ્રકાશ સિન્હા, એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર શ્રી સંજય કુમાર, અને પોલીસ ઓબ્ઝર્વર શ્રી જોશી શ્રીનાથ મહાદેવ સહીત જિલ્લા ચુંટણી અધિકારી-વ-કલેકટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૨૫ જેટલા નોડલ ઓફિસરો, ૭૦ ઝોનલ/સેકટર ઓફિસરો, ૩૬૩ પ્રિસાઈડીંગ ઓફિસરો, ૩૬૩ આસીસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરો, ૧૧૭ પોલીંગ ઓફિસરો, ૬૨૯ મહિલા પોલીંગ ઓફિસરો, અને ૩૬૩ સેવક મળી કુલ ૧૮૩૫ જેટલા સરકારી બાબુઓ, સમગ્ર ચુંટણી કામગીરીને નિર્વિઘ્ને પાર પાડવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

સાથે સાથે ૪૦૯ જેટલા ચુનંદા પોલીસ અફસરો, ૪૩૪ હોમગાર્ડસ, અને ૫૦૦ જેટલા જી.આર.ડી. જવાનો સહીત જરૂરિયાત અનુસાર પેરામિલ્ટ્રી ફોર્સના જવાનો પણ ચૂંટણી કામગીરીમાં જોતરાયા છે. તંત્રએ સંભવિત ગરમીને ધ્યાને લઇ મતદારોને વેળાસર મતદાન કરી દેવાની અપીલ પણ કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!