ભરૂચ BES યુનિયન સ્કૂલે હોલ ટિકિટ રોકી:80 ટકાથી ઓછી હાજરી હતી, વાલીઓએ DEOને ફરિયાદ કરતાં આચાર્યને આદેશ કરાયો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચની બી.ઇ.એસ. યુનિયન સ્કૂલમાં 22 વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન અપાતા વિવાદ સર્જાયો છે. શાળા સંચાલકોએ 80 ટકાથી ઓછી હાજરીના કારણે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો.
વાલીઓએ આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતીબા રાઓલને ફરિયાદ કરી હતી. તેઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા. તેમણે આચાર્યને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવા સૂચના આપી હતી. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહતની લાગણી જોવા મળી હતી.
ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 દરમિયાન યોજાશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓને વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે નિયમિત હાજરીથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર સકારાત્મક અસર પડે છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ ભરૂચ જિલ્લાની તમામ શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ફી બાકી હોવાના કારણસર પણ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ રોકી શકાશે નહીં.