GUJARATJETPURRAJKOT

Rajkot: જસદણના સાણથલી ગામે રૂ. ૩.૫ કરોડના ખર્ચે નિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા

તા.૧૫/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પ્રધાનમંત્રીશ્રીને નાગરિકોએ વર્ષોથી આપેલા સતત સમર્થનથી જ આવા વિકાસકાર્યો સાકાર થઈ રહ્યા છે.

૧૦૮ની શ્રેષ્ઠ સુવિધા ઉપરાંત પ્રાણીઓ માટે પણ ૧૯૬૨ એમબ્યુલન્સ ઉપલબ્ધ થઈ છે, કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલા

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ

Rajkot: ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીઉદ્યોગ વિભાગના મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે રાજ્યના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીની ઉપસ્થિતિમાં જસદણ તાલુકાના સાણથલી ગામે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર(CHC)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રીબીન કાપીને લોકાર્પણ કર્યા બાદ મંત્રીશ્રીએ મહાનુભાવો સાથે આરોગ્ય કેન્દ્રની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલાએ આ પ્રસંગે દર્દીઓને વહેલા સાજા થઇને હસતા મુખે ઘરે જવાની શુભકામના પાઠવતાં લોકોને અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો. અને ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીને લોકોએ આપેલા સતત સમર્થનથી જ આવા અનેકવિધ વિકાસકાર્યો ગામેગામ થઈ રહ્યા છે. મંત્રીશ્રીએ વિસ્તાર સાથે સંકળાયેલી તેમની રાજકીય સફરના સંસ્મરણોને વાગોળ્યા હતાં અને સતત જનસમર્થન માટે વિસ્તારના લોકોનો આભાર માનતાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં એમ્બ્યુલન્સનો અભાવ હતો જ્યારે આજે ૧૦૮ની શ્રેષ્ઠ સુવિધા બધાને ઉપલબ્ધ થઈ છે. સંવેદનશીલ અભિગમ અપનાવીને પ્રાણીઓ માટે પણ ૧૯૬૨ એમબ્યુલન્સ ઠેર ઠેર ઉપલબ્ધ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ કરીને તથા સફળ રાજનીતીથી વિશ્વના દેશોનું મોખરાનું સ્થાન બનાવ્યું છે, કોવિડ જેવી કપરી પરિસ્થિતિમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ કરીને આફતમાંથી દેશને બહાર કાઢ્યો છે.

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ૩.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૩૦ બેડના આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, જેનાથી આસપાસના ગામોના દર્દીઓને ઘરઆંગણે જ શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થશે. જસદણ વિસ્તારના તમામ ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બને તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશેષ સારવાર માટે રાજકોટ સુધી ન જવું પડે તે માટે સબડીસ્ટ્રિક્ટ હોસ્પિટલ પણ જસદણ ખાતે બનનાર છે. વિવિધ તળાવોને ઊંડા કરવાના કાર્યો, ચેકડેમ, સૌની યોજના દ્વારા સિંચાઇના પાણીનો લાભ પણ આ વિસ્તારને સારી રીતે મળી રહ્યો છે. પીવાના પાણીની સુવિધા માટે વિવિધ જૂથ સુધારણા યોજનાનું કાર્ય પ્રગતિમાં છે. વિવિધ બ્રિજ, નવા રસ્તાઓથી વિસ્તારનું રોડ નેટવર્ક સુદ્રઢ થઈ રહ્યું છે. વિસ્તારમાં આરોગ્ય, પાણી, માળખાગત સુવિધાઓના વિકાસકાર્યો અવિરતપણે ચાલી રહ્યા છે.

દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આરોગ્યકર્મીઓએ પુષ્પગુચ્છ આપીને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સ્થાનિક આગેવાનોએ સ્મૃતિચિહ્ન વડે તેમજ મંત્રીશ્રી પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું.

પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્મા રાઠવાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. સિંઘએ આભા કાર્ડ અને આયુષ્માન કાર્ડ વિષે જાણકારી આપી તેનો લાભ લેવા ઉપસ્થિત જનસમુદાયને અપીલ કરી હતી. રાજકીય આગેવાનોએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે,જસદણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાણથલી ને વર્ષ ૨૦૧૭ માં અપગ્રેડ કરીને ગુજરાત સરકાર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવેલ જેનું PIU દ્વારા નાબાર્ડ યોજના હેઠળ ૩.૫ કરોડ ના ખર્ચે અદ્યતન સાધનો સાથે બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં જનરલ ઓ. પી. ડી. તથા ઇન્ડોરની ૩૦ બેડ ની સુવિધા સાથે પ્રસૂતિની સુવિધા, ડેન્ટલ વિભાગ, ફિઝિયોથેરાપી, ડાયાબીટીસ, હ્રદય રોગ, બી. પી. તેમજ કેન્સર રોગના નિદાન અને સારવાર, અદ્યતન લેબોરેટરી અને એક્સ-રે ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાણથલી ઉપરાંત બાબરા તાલુકાના ગામો અને ગોંડલ તાલુકાના કુંકાવાવ, દેરડી અને વાંસાવડ જેવા ગામોના આશરે ૭૦ થી ૮૦ હજાર લોકોને આરોગ્યની સુવિધાઓનો લાભ મળશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, સાંસદશ્રી રામભાઈ મોકરિયા તેમજશ્રી મોહનભાઈ કુંડારિયા, જિલ્લા તેમજ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, રાજકોટ સહકારી ડેરીના ચેરમેનશ્રી ગોરધનભાઈ ધામેલિયા, અમરેલી સહકારી ડેરીના ચેરમેનશ્રી અશ્વિન સાવલિયા, અગ્રણીશ્રી ડો.ભરત બોઘરા, અલ્પેશભાઈ ઢોલરિયા, શ્રી ભાવેશભાઈ વેકરીયા, શ્રી અશ્વિનભાઈ સાંકળિયા, શ્રી શારદાબેન ધડુક, શ્રી સોનલબેન વસાણી, સરપંચશ્રીઓ અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો, તાલુકા આરોગ્ય અધિકારી ડો.રામ, તાલુકા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!