રાજ્યમાં સૌ પ્રથમ એક અનોખી પહેલ
વિજાપુરના લાડોલ સી.આર.સી ખાતે સ્કોલરશીપ પરીક્ષાઓમાં મેરીટમાં આવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર લાડોલ સી આર સી ખાતે સ્કોલરશીપ પરીક્ષાઓ મા ઉજજવળ દેખાવ કરતાં ૪૦ વિધાર્થીઓ વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામા આવ્યું હતુ
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ગુણવત્તાસભર શિક્ષણ માટે નોંધપાત્ર પ્રકલ્પોનું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાંનો એક અતિ મહત્વનો પ્રકલ્પ છે મેરીટના આધારે સ્કોલરશીપ યોજના. વિવિધ સ્પર્ધાત્મ પરીક્ષાઓના માધ્યમથી મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરેલ સારી નામાંકિત શાળામાં પ્રવેશ, મુખ્યમંત્રી મેરીટ સ્કોલરશીપ વગેરે જેવા લાભો રાજ્ય સરકાર દ્વારા મળે છે. ત્યારે વર્ષ ૨૦૨૩/૨૦૨૪માં વિજાપુર તાલુકાના લાડોલ સી.આર.સી.ની ૯ જેટલી સરકારી પ્રાથમિક શાળાના ૪૦ વિદ્યાર્થીઓએ વિવિધ સ્કોલરશીપ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી મેરીટમાં સ્થાન મેળવી જ્વલંત સિદ્ધિ મેળવી હતી. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્કોલરશીપ પરીક્ષા ઓ જ્ઞાનસેતુ,જ્ઞાનસાધના,એન.એમ.એમ.એસ.,પી.એસ.ઈ.વગેરે જેવી મેરીટ આધારિત પરીક્ષાઓમાં શિક્ષકોના માર્ગદર્શન થકી વિદ્યાર્થીઓએ મેળવેલ ગૌરવશાળી સિદ્ધિને બિરદાવવા સી.આર.સી.હોલ ખાતે તાલુકા વિકાસ અધિકારી બહેન સપનાબેન રાજપૂતની ઉપસ્થિતિમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ- ૮ માટે લેવાતી NMMS માં ૫ અને જ્ઞાનસાધનામાં ૧૧, ધોરણ- ૫ માટે લેવાતી જ્ઞાનસેતુ (CET) માં ૨૩ અને ધોરણ-૬ માટે PSE માં ૧ એમ ધોરણ-૫ થી ૮ સુધીના ૪૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને લાડોલ ગામના વતની અને લાડોલ પ્રાથમિક કુમાર શાળાના ઉપશિક્ષક શોભાબેન પટેલના આર્થિક સહયોગથી સી.આર.સી.કક્ષાએ શિલ્ડ, સન્માનપત્ર, શૈક્ષણિક કીટ, લંચ બોક્સ, નાસ્તાની ડીશ વગેરે સહિતની શૈક્ષણિક સામગ્રી આપી સન્માનિત કરવામાં આવ્યા. આમ વિવિધ સ્પર્ધાત્મ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાઓમાં સફળ થયેલ વિદ્યાર્થીઓનુ ક્લસ્ટર કક્ષાએ સન્માન થતું હોય તેવી ગુજરાત રાજ્યમાં આ સૌ પ્રથમ અનોખી પહેલ છે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યું છે તેમજ ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓની વિવિધ સ્પર્ધાત્મ પરીક્ષાઓ આપવા અંગેની જાગૃતતા વધી છે. તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપૂત, બી.આર.સી.કો.ઓર્ડિનેટર ભરતભાઈ પટેલ, પગાર કેન્દ્ર શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ તેમજ લાડોલ ક્લસ્ટરના આચાર્યો, શિક્ષકો, વાલીઓ વગેરે હાજર રહી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.સપનાબેન રાજપૂતે ઉદ્દબોધનમાં તેમના શૈક્ષણિક કારકિર્દીના અનુભવો રજૂ કરી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે સફળ થવાય તે બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું તેમજ આવનાર સમયમાં વધુ વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઇ સફળતા મેળવે તે માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. બી.આર.સી.કો.ઓર્ડિનેટર ભરતભાઈ અને હાથીપુરા પ્રા.શાળાના આચાર્ય રાકેશભાઈ પટેલ દ્વારા વિવિધ સ્કોલરશીપ પરીક્ષાઓના મહત્વ અને મેરીટમાં આવવાથી મળતા લાભો બાબતે વાલીઓને સમજ આપવામાં આવી હતી. ઉપસ્થિતિ વિદ્યાર્થીઓ અને વાલીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન લાડોલ સી.આર.સી.કો.ઓર્ડિનેટર સંજયભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને સંકલન લાડોલ પ્રા.કુમાર શાળાના આચાર્ય દિનેશભાઈ રાવલ, અનિલભાઈ પટેલ અને અમરપુરા શાળાના પ્રકાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.