GUJARATJUNAGADHVISAVADAR

શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ગીરના નેસની મુલાકાતે

ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રીશ્રીએ ગીરના કાસિયા અને ખાંભડા નેસની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : શિક્ષણરાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે. આજ તા. ૬ જાન્યુઆરીના રોજ મંત્રીએ વહેલી સવારે ગીરમાં વિસાવદર તાલુકાના કાંસિયા નેસ અને ખાંભડા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.
રાજ્ય સરકાર દ્વારા છેવાડાના વિસ્તાર સુધી શિક્ષણની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગીરના નેસમાં બાળકો ને શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ તેમજ સંસ્થાઓનો સહયોગથી વિવિધ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે.
ફોરેસ્ટ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ તથા બ્રહ્માનંદ ધામ આનંદધારા પ્રોજેક્ટ દ્વારા રીનોવેશન કરાયેલ પ્રાથમિક શાળામાં નેશના બાળકો ધો.૧ થી ૫ સુધી સર્વાંગી શિક્ષણ મેળવી રહ્યા છે.
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ બ્રહ્માનંદધામના મુક્તાનંદ બાપુ સાથે નેસની મુલાકાત લઈ ત્યાં મળી રહેલા શિક્ષણની વિગતો થી તેઓ વાકેફ થયા હતા. ગીરમાં પણ વિદ્યાર્થીઓ ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યા છે. અહીં કેટલીક સ્માર્ટ શિક્ષણ વ્યવસ્થા પણ સૌના સહયોગથી ઊભી કરવામાં આવી છે.
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ-બાળકો સાથે મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ નીચે બેસીને લોકગીત અને નેસ વિશે ભાવમય વાતાવરણમાં ગોષ્ઠી- ભાવમય સંવાદ કર્યો હતો. આ સાથે શાળાના વિદ્યાર્થીઓએ લોકગીતો, દુહા છંદની રજૂઆત આગવી શૈલીમાં કરી હતી. ગીરમાં માલધારી પરિવારની બહેનોએ મંત્રીનું આતિથ્ય ભાવથી સ્વાગત કર્યું હતું.
પ્રકૃતિના સાનિધ્યમાં ગીરના નેસડામાં શિક્ષણની વ્યવસ્થા અને ગીરની સંસ્કૃતિના સંદર્ભમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગીરમાં એક આગવી લોક સંસ્કૃતિ ધબકે છે. લોક સંસ્કૃતિ અને શિક્ષણનો સમન્વય છે. અંત્યોદયથી ઉત્કર્ષ અને સૌનો વિકાસ એ રાજ્ય સરકારની કટિબદ્ધતા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં  દેશમાં છેવાડાના નાગરિકો સુધી સુવિધાઓ પહોંચી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં  સરકારની યોજનાઓનો સૌ લાભ લઇ જીવનમાં પ્રગતિ કરે અને સૌનું કલ્યાણ થાય તે રીતે યોજનાઓનો લાભ હવે  ગામના આંગણે આપવામાં આવી રહ્યો છે. શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાથી રાજ્યનો છેવાડાનો બાળક વંચિત ન રહી જાય તેવી અમારી સરકારની નેમ છે અને આ સેવા યજ્ઞમાં શિક્ષણ સંસ્થાઓ સહિત સૌને સાથે રાખીને જન ભાગીદારીથી આ કર્તવ્ય ભાવનાને આગળ વધારવી છે.
નેસના વિસ્તારોમાં રહેતા બાળકોને પણ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મળે તેઓ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા થાય અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈને સર્વાંગી શિક્ષણ મેળવી પોતાનો તથા પોતાના પરિવારનો વિકાસ કરી શકે તે માટે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. આ તકે મંત્રીએ શાળાના બાળકો સાથે સેલ્ફી લીધી હતી.
મંત્રી પ્રફુલભાઈએ ગીરના નેસ બાદ સતાધારની જગ્યાની મુલાકાત લીધી હતી. મંત્રીએ સતાધારમાં સમાધિ દર્શન કર્યા હતા. જગ્યા ના મહંતશ્રી વિજય બાપુએ મંત્રીનું સ્વાગત કરી  આવકાર્યા હતા.
મંત્રી સાથે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતનભાઇ ત્રિવેદી, બ્રહ્માનંદ ધામ ચાપરડા મહંતશ્રી મુક્તાનંદજી બાપુ આ ઉપરાંત શિક્ષણ તથા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!