GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

ટી.બી. મુક્ત જિલ્લો બનાવવા રાજકોટની આરોગ્ય ટીમ કટિબદ્ધ,

૧૦૦ દિવસની ઝૂંબેશમાં ૩૧ હજારથી વધુ નાગરિકોનું સ્ક્રિનિંગ કરી ૨૫ નવા દર્દી શોધાયા

તા.૨૬/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારત દેશમાથી ટી.બી. રોગનુ વર્ષ -૨૦૨૫ સુધીમા નિર્મૂલન કરવા માટે આહવાન કર્યુ હતુ. જેના ભાગરૂપે “૧૦૦ દિવસની સઘન ટી.બી. નિર્મૂલન ઝુંબેશ” ની કામગીરી ૭મી ડીસેમ્બરથી રાજકોટ જિલ્લામાં શરૂ કરાઈ છે, જે અન્વયે રાજકોટ જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ પ્રશંસનીય કામગીરી કરી રહી છે.

આ સઘન ઝૂંબેશ દરમ્યાન આરોગ્ય વિભાગ દ્રારા ટી.બી.ના દર્દી શોધી રોગનું ઝડપી નિદાન, ત્વરીત સારવાર, લોક જાગૃતિ, નિક્ષય શિબિર, નિક્ષય શપથ, ટીબીના દર્દીઓને પોષણકીટ આપવી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત ટી.બી. નિર્મૂલન કામગીરીમાં દેશમા અગ્રેસર રહ્યુ છે. “આપણું ગુજરાત, ટી.બી. મુકત ગુજરાત” અને “આપણું ગામ, ટી.બી. મુક્ત ગામ”ના સંકલ્પ સાથે આરોગ્ય ટીમ દ્વારા સઘન કામગીરી કરી ટી.બી.ના દર્દીને શોધી સારવાર આપવામા આવી રહી છે.

આ સઘન ઝૂંબેશ દરમ્યાન નાગરિકોનુ ટી.બી. સ્કીનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા બે વર્ષના ટીબીના દર્દીઓના કોન્ટેક્ટ સભ્યો, જેમનો BMI 18 થી ઓછા હોય તેવા વ્યક્તિઓ, ડાયાબીટીસ ધરાવનાર વ્યક્તિઓ, સ્મોકર, છેલ્લા પાંચ વર્ષમાં ટીબી ની સારવાર લીધેલ દર્દીઓ, ૬૦ વર્ષથી ઉપરની વ્યક્તિઓ તેમજ સ્લમ એરીયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા વગેરેનું સર્વે કરી સ્ક્રીનિંગ કરી નિદાન કરવામાં આવી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં કુલ ૩૧૫૭૧ વ્યક્તિઓનું સ્કીનિંગ કરી કુલ ૨૫ ટી.બી.ના દર્દીઓનું નિદાન કરી સારવાર આપવામા આવી રહી છે. સ્કિનિંગમાં મોબાઇલ વાન દ્વારા X-Ray કરવામાં આવે છે. સ્પુટમ માઇક્રોસ્કોપી તેમજ CBNAAT અને Truenat જેવી ટીબીના નિદાનની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી સચોટ નિદાન કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણે તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર. ફુલમાલીના માર્ગદર્શન હેઠળ “૧૦૦ દિવસની સઘન ટી.બી. નિર્મૂલન ઝૂંબેશ” કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઝૂંબેશમાં જોડાવા તેમજ સહકાર આપવા જાહેર જનતાને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!