Dahod: સામાન્ય પરિવારોના પોતાનું ઘર બનાવવાના સપનાને સાકાર કરતી યોજના એટલે ગુજરાત સરકારની ડૉ.આંબેડકર આવાસ યોજના
અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ આર્થિક રીતે અશક્ત પરિવારોને પોતાના સપનાનું ઘર મળી રહ્યું છે સરકાર દ્વારા પ્રથમ હપ્તો ૪૦,૦૦૦/-, બીજો હપ્તો ૬૦,૦૦૦/- અને આખરી તબક્કો ૨૦,૦૦૦/- એમ કુલ ૧,૨૦,૦૦૦/- ની ઘર બનાવવા માટેની મળતી આર્થિક સહાય મારો પરિવાર હવે શાંતિથી ઊંઘી શકશે અને બાળકો ભણી શકશે, હવે તો નથી ટાઢ – તડકાની ચિંતા ને નથી તો હવે વરસાદની – લાભાર્થી સતીશ પરમાર દાહોદ : ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ આર્થિક રીતે અશક્ત પરિવારોને પોતાના સપનાનું ઘર મળી રહ્યું છે, દરેક સામાન્ય પરિવારનું એક સપનું એવું હોય છે કે તેઓનું પણ પોતાનું એક પાકું મકાન હોય જેમાં તેઓ સહ પરીવાર સુખ શાંતિથી અને સુરક્ષિત રહી શકે. આવા સામાન્ય પરિવારોના સપનાને સાકાર કરતી યોજના એટલે ગુજરાત સરકારની ડૉ.આંબેડકર આવાસ યોજના.
હા, આપણે અહી વાત કરવાના છીએ, દાહોદ જિલ્લાના કતવારા ગામના રહેવાસી સતિષભાઇ પરમારની. સતિષભાઇ પોતે છૂટક નાનું – મોટુ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ખુબ જ ઓછી આવકમાં પણ એમના પરિવારનું ગુજરાન ચલાવવું એ તેમના માટે મુશ્કેલી ભર્યું હતું, ત્યાં તેઓ બીજું પાકું ઘર બાંધી શકે તેવી તેમની આર્થિક સ્થિતિ પણ નહોતી. તેમના ઘરની હાલત પણ ખુબ જ ખરાબ હતી. આ રીતે તો કોઇપણ બહેન-દીકરીઓ તેમજ વહું-આરુ ઓને તો આવા ઘરમાં રહેવું એ અકળાવી નાખે તેવું હોય છે સતિષભાઇનો પરિવાર અત્યાર સુધી એક કાચા, જર્જરીત થઇ ગયેલા અને ચોમાસા દરમિયાન ગમે ત્યારે તૂટી પડે એવી પરિસ્થિતિમાં આવી ગયેલા મકાનમાં જોખમભરી સ્થિતિમાં રહેતો હતો. રોજ ડરતા-ડરતા રાત-દિવસ પસાર કરવાના થતા હતા. તે દરમ્યાન તેમને ડો.આંબેડકર આવાસ યોજના અંગેની જાણકારી મળી જે તેમના પરિવાર માટે ખુબજ લાભદાયી નીવડી. આ યોજના થકી મારા પરિવારને નવી છત મળી. મારો પરિવાર હવે શાંતિથી ઊંઘી શકે છે અને બાળકો ભણી શકે છે, હવે તો નથી ટાઢ – તડકાની ચિંતા ને નથી તો હવે વરસાદની એમ કહેતા સતીષભાઈએ સરકારનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો લાભાર્થી સતિષભાઇના શબ્દોમાં કહીએ તો ઘણા વર્ષો પૂર્વે બનેલું લાભાર્થીનું કાચું મકાન એકદમ જર્જરીત બની ગયું હતું જે ગમે ત્યારે પડી જાય તે કહી શકાય એમ નહોતું. છતના પતરાઓ પણ તૂટી ગયેલ જેમાથી ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદનું પાણી પડતું હતું અને આખા ઘરમાં પાણી-પાણી થઈ જતું હતું. ઉપરથી તેઓ પોતે પોતાની મહેનતથી આવતી થોડી ઘણી મૂડીમાંથી માંડ માંડ સમારકામ કરાવીને કામ ચલાવતા હતા. સમય જતા ઘરની કાચી દીવાલો અને છત ખુબ જ ખરાબ પરિસ્થિતિમાં આવી ગઈ હતી અને ઘર ગમે ત્યારે તૂટી પડવાની તૈયારીમાં હતું આથી ગામના આગેવાન તરફથી ડો.આંબેડકર આવાસ યોજનાની જાણકારી મેળવી કચેરીની મુલાકાત લઇ જરૂરી દસ્તાવેજો અને અરજી કરવાની રીતની જાણકારી મેળવી, ગ્રામ પંચાયતમાં આગેવાનો તથા કચેરીના સમાજ કલ્યાણ નિરિક્ષકની મદદથી ગુજરાત સરકારની વેબસાઈટ ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી.લાભાર્થી ડો.આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે યોગ્ય જણાતા અરજી મંજુર કરવામાં આવેલ હતી તથા તબક્કા વાર પ્રથમ હપ્તો ૪૦,૦૦૦/- ત્યાર બાદ બીજો હપ્તો ૬૦,૦૦૦/- અને મકાન પૂર્ણ થયાનો આખરી તબક્કો ૨૦,૦૦૦/- એમ કુલ ૧,૨૦,૦૦૦/- ની સહાયથી લાભાર્થી પોતાનું સપનાનું ઘર મેળવી શક્યા હતા. આ યોજનાથી લાભાર્થીના પરિવારને મજબૂત આશરો મળ્યો તે બદલ તેઓ સંવેદનશીલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે સતિષભાઇ પોતાના ઉદાહરણ થકી પોતાના ગામમાં તેમજ અન્ય ગામોમાં જરૂરિયાતમંદ અનુસૂચિત જાતિના લોકોને માર્ગદર્શન પૂરું પાડી અન્યોને પણ સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય તેમજ વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે, જો સરકાર આપણી ચિંતા કરીને આપણને આટલી મદદ કરવા તૈયાર છે તો પછી આપણે કેમ આવી યોજનાઓથી વંચિત રહીએ જે આપણા માટે સરકારે જ બનાવી છે