દુ:ખ વહેંચવા માટે પેરોલ આપી શકાય તો ખુશીના પ્રસંગે પણ પેરોલ આપવી જોઈએ : બોમ્બે હાઈકોર્ટે
બોમ્બે હાઈકોર્ટે અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જઈ રહેલા પુત્રને વિદાય આપવા માટે જેલમાં બંધ વિવેક શ્રીવાસ્તવના પેરોલ મંજૂર કર્યા હતા. હાઈકોર્ટે પેરોલ મંજૂર કરતા કહ્યું કે, દુ:ખ વહેંચવા માટે પેરોલ આપી શકાય તો ખુશીના પ્રસંગે પણ પેરોલ આપવી જોઈએ. તેમજ વધુમાં કહ્યું કે, દોષિતોને ટૂંકા ગાળા માટે શરતી મુક્તિ આપવામાં આવે છે, જેથી તેઓ બહારની દુનિયા સાથે સંપર્કમાં રહી શકે અને તેમના પારિવારિક મામલાઓની વ્યવસ્થા કરી શકે કારણે કારણ કે જેલમાં બંધ દોષિત કોઈનો પુત્ર, પતિ, પિતા કે ભાઈ હોય છે.
જસ્ટિસ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની બેન્ચે 9મી જુલાઈના રોજના તેના આદેશમાં જણાવ્યું હતું કે, સમયાંતરે પેરોલ અને ફર્લોની જોગવાઈઓને દોષિતો પ્રત્યે માનવતાવાદી અભિગમ તરીકે જોવામાં આવી છે.
ફરિયાદ પક્ષે આ દલીલનો વિરોધ કર્યો અને દાવો કર્યો કે સામાન્ય રીતે કટોકટીની પરિસ્થિતિઓમાં પેરોલ આપવામાં આવે છે. શિક્ષણ માટે પૈસાની વ્યવસ્થા કરવા અને પુત્રને વિદાય આપવાના કારણો પેરોલને પાત્ર નથી. જોકે, કોર્ટે શ્રીવાસ્તવને દસ દિવસના પેરોલ આપ્યા હતા. દુઃખની વાત લાગણી હોય તો ખુશી પણ એક જાતની લાગણી છે અને જો દુઃખ વહેંચવા પેરોલ અપાતું હોય તો ખુશીના પ્રસંગ માટે કેમ નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 2012માં હત્યાના કેસમાં કસૂરવાર ઠર્યો હતો અને જન્મટીપ ભોગવી રહ્યો છે. 2018માં કસૂરવાર ઠેરવ્યો હતો અને 2019માં સજા સામે અપીલ કરી હતી. અરજી અનુસાર તેનો પુત્ર ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા જઈ રહ્યો છે અને તેની ફી રૂ. 36 લાખ છે. આ રકમની વ્યવસ્થા કરવા એક મહિનાના પેરોલ માગ્યા હતા.