GUJRAT:ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ; પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સાથે ટકાઉપણાનું સંગમ
GUJRAT:ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ; પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સાથે ટકાઉપણાનું સંગમ
ખેત ઉત્પાદકતાના વધારા સાથે પર્યાવરણની સમતુલા તથા જતન અને ગાયના સંવર્ધન માટે આજની તાતી જરૂરિયાત પ્રાકૃતિક ખેતી
સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય અને સવિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને તમામ ખેડૂતો આ ઋષિ પરંપરાગત ખેતી તરફ પાછા વળે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં ખેત ઉત્પાદકતાના વધારા સાથે પર્યાવરણની સમતુલા તથા જતન અને ગાયના સંવર્ધનને પણ અનન્ય સ્થાન આપવામાં આવ્યું છે. ગાયનું છાણ અને ગૌમૂત્ર કુદરતી ખાતર તરીકે કામ કરે છે. છાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે જમીનની ઉત્પાદકતા વધારે છે. ગૌમૂત્રમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે જમીનના હાનિકારક સૂક્ષ્મજીવોને નાશ કરે છે અને જમીનની રચનાને સુધારે છે. આનાથી જમીન લાંબા સમય સુધી ફળદ્રુપ રહે છે, જે રાસાયણિક ખાતરોની સરખામણીમાં વધુ ટકાઉ હોય છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ ભારતીય ખેતીની પરંપરાગત પદ્ધતિ છે, જે આધુનિક સમયમાં પણ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ખેતીનું મહત્વનું સાધન બની રહી છે. આ પદ્ધતિમાં ગાયના છાણ, ગૌમૂત્ર અને અન્ય કુદરતી સંસાધનોનો ઉપયોગ ખેતીમાં ખાતર, જંતુનાશક અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે.
રાસાયણિક ખાતરો અને જંતુનાશકોની કિંમત દિવસેને દિવસે વધી રહી છે, જે ખેડૂતો માટે આર્થિક બોજ બની રહે છે. ગાય આધારિત ખેતીમાં ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને કમ્પોસ્ટ, વર્મીકમ્પોસ્ટ અને જીવામૃત જેવા ખાતરો બનાવવામાં આવે છે. આ ખાતરો ખૂબ જ ઓછા ખર્ચે તૈયાર થાય છે, જે ખેડૂતોનો ખર્ચ ઘટાડે છે અને તેમની આવકમાં વધારો કરે છે.
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ ટકાઉ ખેતીનું એક ઉત્તમ મોડેલ છે, જે જમીનની ફળદ્રુપતા, પર્યાવરણનું રક્ષણ, ખેડૂતોની આર્થિક સ્થિતિ અને માનવ સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. આ પદ્ધતિ ભારતની પરંપરાગત જ્ઞાન અને આધુનિક ટકાઉપણાનું સંગમ છે. રાસાયણિક ખેતીથી જમીન, પાણી અને હવાનું પ્રદૂષણ વધે છે. ગાય આધારિત ખેતી આ પ્રદૂષણને ઘટાડે છે કારણ કે તેમાં કોઈ હાનિકારક રસાયણોનો ઉપયોગ થતો નથી. ગાયનું છાણ અને ગૌમૂત્ર બાયોડિગ્રેડેબલ હોય છે, જે પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતા. આ ઉપરાંત, આ પદ્ધતિ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.
ગાય આધારિત ખેતીમાં ઉગાડવામાં આવેલા પાક રાસાયણિક અવશેષોથી મુક્ત હોય છે. આવા પાકનું સેવન કરવાથી માનવ સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. રાસાયણિક ખેતીથી ઉગાડેલા પાકમાં હાનિકારક રસાયણોના અવશેષો હોય છે, જે લાંબા ગાળે કેન્સર, ડાયાબિટીસ અને અન્ય રોગોનું જોખમ વધારે છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખાદ્યપદાર્થો પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. ગાય આધારિત ખેતી જમીનમાં ઉપયોગી સૂક્ષ્મજીવોની સંખ્યા વધારે છે, જે જૈવવિવિધતાને ટેકો આપે છે. આ પદ્ધતિમાં રાસાયણિક જંતુનાશકોના બદલે ગૌમૂત્ર આધારિત જંતુનાશકોનો ઉપયોગ થાય છે, જે પરાગનયન માટે જરૂરી જીવો જેવા કે મધમાખીઓ અને અન્ય જંતુઓને નુકસાન નથી પહોંચાડતા.