આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે અગાઉની YSRCP સરકાર દરમિયાન પ્રખ્યાત તિરુપતિ લાડુ, એક પવિત્ર મીઠાઈ બનાવવામાં હલકી ગુણવત્તાવાળા મટીરીયલ અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જો કે, જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી YSRC પાર્ટીએ આરોપોને નકારી કાઢ્યા છે. તિરુપતિ લાડુ પ્રસાદમ તિરુપતિના પ્રતિષ્ઠિત શ્રી વેંકટેશ્વર મંદિરમાં પીરસવામાં આવે છે, જે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા ચલાવવામાં આવે છે.
બુધવારે એનડીએ વિધાનસભ્ય દળની બેઠકને સંબોધતા નાયડુએ દાવો કર્યો હતો કે, “તિરુમાલાના લાડુ પણ હલકી ગુણવત્તાવાળા મટીરીયલથી બનાવવામાં આવતા હતા. તેમાં ઘીના બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.” સીએમએ કહ્યું કે હવે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મંદિરની દરેક વસ્તુને સેનિટાઇઝ કરવામાં આવી છે, જેના કારણે ગુણવત્તામાં સુધારો થયો છે.
જો કે, વરિષ્ઠ YSRCP નેતા અને TTD ના ભૂતપૂર્વ અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ નાયડુના આરોપને “દુર્ભાવનાપૂર્ણ” ગણાવ્યો અને કહ્યું કે TDP સુપ્રીમો “રાજકીય લાભ માટે કોઈપણ સ્તરે ઝૂકી શકે છે”.
આંધ્રપ્રદેશના આઈટી મંત્રી નારા લોકેશે આ મુદ્દે જગન મોહન રેડ્ડી પ્રશાસન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, “તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. મને એ જાણીને આશ્ચર્ય થયું કે વાયએસ જગન મોહન રેડ્ડી પ્રશાસને તિરુપતિ પ્રસાદમમાં ઘીની જગ્યાએ પ્રાણીની ચરબીનો ઉપયોગ કર્યો હતો.”
અગાઉની વાયએસઆરસીપી સરકાર પર નિશાન સાધતા લોકેશે આરોપ લગાવ્યો કે તે કરોડો ભક્તોની ધાર્મિક લાગણીઓનું સન્માન કરી શકતી નથી. વાયએસઆરસીપીના નેતા અને રાજ્યસભાના સભ્ય સુબ્બા રેડ્ડીએ, જેમણે બે ટર્મ માટે ટીટીડીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી, તેમણે આક્ષેપ કર્યો હતો કે નાયડુએ તેમની ટિપ્પણીઓથી પવિત્ર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું છે.
સુબ્બા રેડ્ડીએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “તિરુમાલા પ્રસાદ અંગેની તેમની ટિપ્પણીઓ અત્યંત દુર્ભાવનાપૂર્ણ છે. કોઈ વ્યક્તિ આવા શબ્દો બોલશે નહીં અથવા આવા આરોપો કરશે નહીં.”