દહેજની ડોઝેન કંપની સાથે 46 લાખની ઠગાઇ થઇ
ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીમાં આવેલી ડોઝેન ફાર્મા કંપની સાથે 46 લાખ રૂા. ઉપરાંતની ઠગાઇ કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કંપનીના જનરલ મેનેજર સેહલ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં અનુસાર 11મી ફેબ્રુઆરીના રોજ તેમની કંપનીના ઇમેઇલ પર મુંબઇની વોર્ટેક્ષ ફાર્માસ્યુટીકલ કંપનીનો મેઇલ આવ્યો હતો અને પ્રેગ્લાબેલીન નામના મટીરીયલની ખરીદીમાં રસ દાખવ્યો હતો. બંને કંપનીઓ વચ્ચે વાતચીત થયાં બાદ બે તબકકામાં 46 લાખથી વધુની કિંમતનું મટિરિયલ મુંબઇની વોર્ટેક્ષ કંપનીમાં મોકલવામાં આવ્યું હતું.
મુંબઇની કંપનીએ મટીરીયલના બદલામાં આપેલાં ચેક બાઉન્સ થતાં કંપનીએ મુંબઇ ખાતે તપાસ કરતાં આવી કોઇ કંપની જ નહિ હોવાનું સામે આવ્યું હતું. કંપની સાથે છેતરપિંડી થતાં કથિત વોર્ટેક્ષ કંપનીના માલિક અવિનાશ શિવપુરી અને પરચેસ મેનેજર વિનિત શર્મા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવટી કંપની ઉભી કરી દહેજની કંપની સાથે ઠગાઇ કરવામાં આવી હોવાનું આ બનાવમાં લાગી રહયું છે. કંપ,નીના જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવતાં હવે પોલીસે બનાવટી કંપનીના સંચાલક અને તેના મેનેજરને ઝડપી પાડવાની દિશામાં કવાયત હાથ ધરી છે.