GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મોરબી સિરામિક ફેક્ટરીમાં નુકસાની બતાવીને ભાગીદારોએ કરોડનો ચુનો લગાડયો, પ્રેમિકાએ પણ લાખો રૂપિયા ખંખેર્યા

MORBI:મોરબી સિરામિક ફેક્ટરીમાં નુકસાની બતાવીને ભાગીદારોએ કરોડનો ચુનો લગાડયો, પ્રેમિકાએ પણ લાખો રૂપિયા ખંખેર્યા

 

 

મોરબી: મોરબીમાં રહેતા ઉદ્યોગપતિને સિરામિક ફેકટરીમાં ચાર પાર્ટનરોએ વેપારમાં નુકસાની દેખાડીને રૂા.૪.૩૭ કરોડ પડાવ્યા બાદ ધમકીઓ આપી હતી. બીજી તરફ ઉદ્યોગપતિની પ્રેમિકાએ અન્ય સાગરીત સાથે મળીને બ્લેકમેઈલ કરી લાખો રૂપિયા પડાવી હેરાન કરતા આખરે કંટાળી જઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ચાર ભાગીદારો, પ્રેમિકા સહિત છ ઈસમો વિરુદ્ધ ઉદ્યોગપતિને માનસિક ત્રાસ આપી મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

વિગત પ્રમાણે, ટંકારાના ઉમિયાનગર ગામના રહેવાસી પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજાએ આરોપીઓ અમિતભાઈ વશરામભાઈ ચારોલા, ભાવેશભાઈ બાબુભાઈ વિડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઈ હરખાભાઈ સાણંદીયા, મનીષાબેન કિરણભાઈ ગોહિલ અને અચતભાઈ મહેતા એમ છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેમની નાની બહેન હીનાબેનના લગ્ન મૂળ હમીરપર હાલ મોરબી રવાપર ખાતે રહેતા અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા (ઉ.વ.૪૨) સાથે થયા હતા. ગત તા. ૧૧ ના રોજ બનેવી અશોકભાઈ પાડલીયા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું.

જેમના આપઘાત પાછળ એવું કારણ ખુલ્યું કે, ઉદ્યોગપતિ અશોકભાઈએ સાત વર્ષ પહેલા લખધીરપુર રોડ પર ગ્લેર સિરામિક નામનું કારખાનું નવ લાખના માસિક ભાડાથી રાખ્યું હતું. જેની સાથે પાર્ટનરમાં મોરબીના અમિતભાઈ ચારોલા, ભાવેશભાઈ વિડજા, બીપીનભાઈ દેત્રોજા અને મનોજભાઈ સાણંદીયા હતા અને પાંચેય મળીને નફા-ખોટમાં સરખા ભાગે લેતી-દેતી કરતા હતા. પરંતુ કોરોનાકાળ દરમિયાન અન્ય ચારેય ભાગીદારોએ અશોકભાઈના નામે અલગ અલગ વેપારીઓ પાસેથી માલ મંગાવીને બારોબાર વેચી નાખ્યો હતો અને ધંધામાં ખોટ બતાવી ૪.૩૭ કરોડ ભરાવ્યા અને બાદમાં પોતાનો હિસ્સો આપ્યો નહીં અને ઉલ્ટાની ધાક-ધમકી આપવા લાગ્યા હતા.

બીજી તરફ ઉદ્યોગપતિ અશોકભાઈને અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી મનીષાબેન કિરણભાઈ ગોહિલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને અવારનવાર મળતા હતા. જે સમયે તેઓ ગાંધીનગરના અચત મહેતાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં મનીષા અને અચતે ભેગા મળીને કોઈને કોઈ બહાના કાઢી અશોકભાઈ પાસેથી પૈસા પડાવવાનું ચાલુ કર્યું હતું અને ઈન્કાર કરે તો બ્લેઈક મેઈલિંગ કરવા લાગ્યા હતા. જેમાં તેમણે રોકડા અને આંગડીયા મારફત મળીને રૂા.૮૦ લાખ જેવી રકમ ખંખેરી લીધી હતી. આખરે બધાથી કંટાળીને ગઈકાલે બપોરના સમયે અશોકભાઈએ ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું. તેમણે ચારેય ભાગીદારોના માનસિક ત્રાસ અને રૂપિયા પડાવી લેવાથી દવા પી આપઘાત કરી રહ્યાનું સુસાઈડ નોટમાં લખ્યું છે, જેના આધારે પોલીસ ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરાઈ છે.

Back to top button
error: Content is protected !!