MORBI:મોરબીમાં ઔદ્યોધિક ભરતીમેળો યોજાયો; મોરબી જિલ્લા સહિતના રાજ્યના ૨૨૩ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી
MORBI:મોરબીમાં ઔદ્યોધિક ભરતીમેળો યોજાયો; મોરબી જિલ્લા સહિતના રાજ્યના ૨૨૩ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી
જિલ્લા રોજગાર કચેરી મોરબી દ્વારા આઇ.ટી.આઇ – મહેન્દ્ર નગર – મોરબી ખાતે ભરતીમેળાનું તા.૧૮-૦૯-૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં અદાણી ગ્રુપની જુદી- જુદી કંપનીઓની અંદાજે ૨૩૫ જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ ભરતીમેળામાં મોરબી અને ગુજરાતનાં અલગ – અલગ જિલ્લાઓમાંથી કુલ ૪૮૩ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો.
સૌપ્રથમ અદાણી ગ્રુપના અધિકારીઓ દ્વારા જુદી – જુદી જગ્યાઓ માટે જરૂરી લાયકાત, પગાર તથા સુવિધાઓ અંગે ઉમેદવારોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રોજગાર અધિકારીશ્રી દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી અને અદાણી કંપની વિશે અને ભવિષ્યના અલગ – અલગ કાર્યક્ષેત્ર વિશે વિદ્યાર્થીઓને ઇન્ટારવ્યું આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રોજગારવાંચ્છુઓની ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ તબક્કે કુલ ૨૨૩ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી ૫ ઉમેદવારોને જિલ્લા રોજગાર અધિકારીનાં હસ્તે સિલેકશન લેટર આપવામાં આવ્યા હતા. અદાણી કંપનીના અધિકારીએ ગુજરાત સરકાર તથા જિલ્લા રોજગાર કચેરી મોરબીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારના ભરતીમેળા દ્વારા સ્થાનિક યુવાઓને રોજગારીની તક પુરી પાડવા સરસ પ્રયત્નો કરાઈ રહ્યા છે, જેથી ઉદ્યોગોને પણ જરૂરી માનવબળ ઉપલબ્ધ થઈ રહ્યું છે. આ તબક્કે રોજગાર કચેરી મોરબી દ્વારા ઉમેદવારોને રિફ્રેશમેંટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.
પસંદગી પામેલ ઉમેદવારોએ ગુજરાત સરકારનો અભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા રોજગાર અધિકારીશ્રી એમ.એન.સવનિયાએ જણાવ્યું કે, અગામી સમયમાં પણ વિવિધ નોકરીદાતાઓ માટે જુદા જુદા સ્થળોએ ભરતીમેળાનું આયોજન કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રોજગાર કચેરી – મોરબી તેમજ આઇ.ટી.આઇ – મોરબીના સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ હતી તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.