Rajkot: જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.૧૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જન પ્રતિનિધિશ્રીઓએ રજૂ કરેલા લોકપ્રશ્નોના નિવારણ અર્થે સંબંધિત અધિકારીશ્રીઓને તાકિદે કામગીરી કરવા સૂચના
રાજકોટ જિલ્લાની પી.એમ એવોર્ડ માટે પસંદગી થવા બદલ ટીમને અભિનંદન પાઠવ્યા
જન કલ્યાણકારી ૧૧ યોજના પૈકી ૯ યોજનામાં ૧૦૦ ટકા લક્ષ્યાંક મેળવી સર્વાંગી વિકાસમાં દેશના પાંચ જિલ્લામાં રાજકોટ જિલ્લાનો સમાવેશ
Rajkot: જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ રજૂ કરેલા રાજકોટ શહેરના વિવિધ માર્ગો પર દબાણોના લીધે થતી ટ્રાફિકની સમસ્યા, રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર હોટેલ્સ, પેટ્રોલ પંપો અને ગ્રામજનો દ્વારા ડીવાઈડર તોડી બનાવેલ ગેરકાયદે નિકાસથી અકસ્માતનો ભય, પદ્મકુંવરબા હોસ્પિટલની નવીનીકરણની કામગીરી સહિતના પ્રશ્નોનાં સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા કરાયેલી કામગીરી અંગે જવાબ રજૂ કરાયા હતા.
આ ઉપરાંત ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો પૈકી રેસકોર્સ ખાતે યોજાતા લોકમેળાના સ્થળ માટેના પ્રસ્તાવિત વિકલ્પો, શહેરમાં જર્જરિત મકાનો, ગેરકાયદે ચાલતા કતલખાના, અનાજ વિતરણ, જિલ્લામાં ઇકો ટુરિઝમના વિકાસ માટેનું આયોજન, ભિક્ષાવૃત્તિ કરતા બાળકોના રેસ્ક્યું સહિત રજુ કરાયેલ પ્રશ્નોનાં સંબંધિત અધિકારીશ્રીઓએ જવાબ આપ્યા હતા. જન પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજુ થયેલા પ્રશ્નોનાં વહેલી તકે નિવારણ લાવવા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને તાકીદે કામગીરી કરવા સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે, બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરશ્રીએ રાજકોટ જિલ્લાની “પ્રધાનમંત્રી એવોર્ડ” માટે પસંદગી થઈ હોવાની ખુશી જન પ્રતિનિધિશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ સમક્ષ વ્યક્ત કરતા જિલ્લાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જન કલ્યાણકારી ૧૧ યોજનાઓ પૈકી ૯ યોજનાઓમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક મેળવી સર્વાંગી વિકાસમાં દેશના પાંચ જિલ્લામાં રાજકોટ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુમાં જિલ્લા કલેકટરશ્રીએ “સુજલામ સુફલામ જળસંચય” યોજના અંતર્ગત સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા થનાર કામગીરી અંગે વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક ક્લેક્ટર શ્રી એ.કે.ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટરશ્રી મહેક જૈન, પ્રાંત અધિકારી સર્વે શ્રી ચાંદની પરમાર, શ્રી વિમલ ચક્રવર્તી, શ્રી આર.આર.ખાંભરા, શ્રી રાહુલ ગમારા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રી કે. વંગવાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.