વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં એક સપ્તાહ સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં એક સપ્તાહનાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે.સોમવારે ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ અને સુબિર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.જ્યારે સાપુતારા પંથકમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો.ડાંગ જિલ્લામાં સોમવારે ફરી વરસાદી માહોલ જામતા ખાપરી,પૂર્ણા અને ગીરા નદી બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ બાદ ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 25 મિમી અર્થાત 1 ઈંચ, સાપુતારા પંથકમાં 25 મિમી અર્થાત 1 ઈંચ, વઘઇ પંથકમાં 46 મિમી અર્થતંબ1.84 ઈંચ,જયારે સૌથી વધુ સુબિર પંથકમાં 52 મિમી અર્થાત 2.08 ઈંચ વરસાદ નોંધાયો હતો.