GUJARATNAVSARI

નવસારી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર નવસારી જિલ્લાના
અધિકારી/કર્મચારીઓનું સન્માન કરાયું.
જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે ૧૪ મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કાર્યક્રમ એસ.બી.ગાર્ડા કોલેજ નવસારી ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું  હતુ કે,  ‘‘મતદાન આપણી પવિત્ર ફરજ છે, મતદાન થકી આપણી લોકશાહી મજબૂત બને તે માટે લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી ચાલતી આ લોકશાહી પ્રણાલીમાં પ્રત્યેક મતદારે જ્ઞાતિ– જાતિના ભેદભાવથી પર રહીને રાજ્ય-રાષ્ટ્રના વિકાસ માટે મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવી પડશે. કલેકટરશ્રીએ આપણો દેશ આઝાદ થયો ત્યારથી તમામ નાગરિકોને મતદાનનો સમાન અધિકાર છે તેમ જણાવી લોકશાહી વિશે સચોટ માર્ગદર્શન યુવા મતદારોને પૂરુ પાડયું હતું.

આ પ્રસંગે નવા નોંધાયેલા યુવા મતદારોને જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના હસ્તે બેઝ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાના અધિકારી/ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વયોવૃદ્ધ મતદાર અને દિવ્યાંગ મતદારોનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું. ગીત સંદેશ, ઈ-પોસ્ટર્સ, ટેગલાઇન, પોસ્ટર ડિઝાઇન જેવી મતદાર જાગૃતિ સ્પર્ધાઓમાં વિજેતાઓને કલેકટરશ્રી તેમજ મહાનુભાવોના વરદ હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતાં.

સ્ટેટ આઇકોન દક્ષાબેન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં યુવાનોએ આગળ આવી મતદાન અંગે ઝુંબેશ ઉઠાવવી જોઈએ. યુવા મતદારોને જાગૃત થઇ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુકત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવવા તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.

એસ.બી.ગાર્ડા કોલેજના પ્રિન્સીપાલ ડો.ધર્મવીર ગુજજરે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓનું પુષ્પગુચ્છ અને શાલ આપી સન્માનિત કર્યું હતું.

આ કાર્યક્રમમાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રિયંકાબેન પટેલ, નવસારી પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોર, ચીખલી પ્રાંત અધિકારી શ્રી મીતેશ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જયેશ ચૌધરી સહિત યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!