BANASKANTHAGUJARATPALANPUR

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ વિશેષ અંબાજીમાં સૌ પ્રથમવાર ૪૦૦ ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે

આકાશમાં ઝળહળશે અંબાજીની સંસ્કૃતિ, શક્તિ અને અધ્યાત્મના પ્રતિકો ૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૮:૩૦ કલાકે ડ્રોન શોના ભવ્ય દૃશ્યો જોવા મળશે શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે. પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ ૨૯ સમિતિઓ બનાવવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષે અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો રહેશે. જો વરસાદનું વિઘ્ન નહીં આવે તો તારીખ ૩ સપ્ટેમ્બર અને ૪ સપ્ટેમ્બરના રાત્રે ૮:૩૦ કલાકે અંબાજીમાં સૌપ્રથમવાર ૪૦૦ ડ્રોન દ્વારા અદ્દભુત લાઇટ શો યોજાશે.
આકાશમાં હજારો રંગીન લાઈટોથી સજ્જ ડ્રોન ફ્લાય કરશે. જેના દ્વારા અંબાજી માતાના પાવન મંદિરની છબિ, ‘જય માતાજી’ના લખાણ, ત્રિશૂળ, શક્તિનું પ્રતિક ચિહ્ન સહિતની અનેક આકૃતિઓ રચાશે. વિવિધ રોશની થકી ઊડતા ડ્રોનના દૃશ્યો શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેશે. આ અનોખા ડ્રોન શૉ થી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાશે જેનો નજારો ભવ્ય હશે.

Back to top button
error: Content is protected !!