રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમિટેડ દ્વારા ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ મળે તે માટે રવિ માર્કેટિંગ સીઝન 2025-26 માટે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. સરકાર ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ 2425 રૂપિયાના દરે ખરીદી કરશે.
લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણીની પ્રક્રિયા 1 જાન્યુઆરી 2025થી શરૂ કરવામાં આવી છે. આ નોંધણી ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક વીસીઇ દ્વારા કરવામાં આવી રહી છે.
ખેડૂતોએ નોંધણી માટે લાવવા પડશે આ દસ્તાવેજો:
- આધારકાર્ડની નકલ
- અદ્યતન ગામ નમૂનો 7, 12 અને 8-અ ની નકલ
- જો ગામ નમૂના 12માં પાક વાવણીની એન્ટ્રી ન હોય, તો તલાટીના સહી-સિક્કાવાળા પાક વાવણી અંગેનો દાખલો
- ખેડૂતના નામના બેંક ખાતાની વિગતો (બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક)
ખાતેદારોને કેવી રીતે મળશે જાણકારી?
નોંધણી કરાવનાર ખેડૂતોને ખરીદીની તારીખ અને માહિતી SMS મારફતે આપવામાં આવશે. ખરીદીના દિવસે ખેડૂતોએ પોતાનું આધારકાર્ડ અથવા ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત છે.
બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી થશે ખરીદી:
ખેડૂત ખાતેદારનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કર્યા પછી જ ઘઉંના જથ્થાની ખરીદી કરવામાં આવશે.
રાજ્ય સરકારના આ પ્રયાસ દ્વારા ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઈસ પર પાક વેચાણ કરવાની સુવિધા મળી રહેશે અને તેમની આવકમાં વધારો થવા સાથે ન્યાયસંગત ભાવ મળશે.