GUJARAT

Rajkot: પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ.વિજયભાઈ રૂપાણીને રાજકોટમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ

તા.૧૬/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

રાજમાર્ગો પર નિકળેલી અંતિમયાત્રામાં રાજકોટના સંવેદનશીલ જનનાયકને લોકોની અશ્રુભીની વિદાય

Rajkot: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને આજે રાજકોટ ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

સ્વ. વિજયભાઈના પાર્થિવ દેહને અમદાવાદથી હવાઈમાર્ગે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. ત્યાંથી તેમના પાર્થિવ દેહને સડક માર્ગે ઘરે લઈ જવાયો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા.

આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ, ત્યારે અનેક લોકોએ રાજકોટના પનોતા પુત્ર અને સંવેદનશીલ જનનાયકને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં સ્વ. વિજયભાઈના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાન “પુજીત” ખાતે રાખવામાં આવ્યો હતો. અહીં અનેક મહાનુભાવો, જૈનાચાર્યો, ધાર્મિક, સામાજિક અગ્રણીઓ, સ્વજનોએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

બાદમાં સ્વ. વિજયભાઈના પાર્થિવ દેહને પૂરા રાજકીય સન્માન અને પોલીસ બેન્ડ સાથે પ્રકાશ સોસાયટીમાં આવેલા ધ્યાનશંકર મહાદેવના મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યો હતો. અહીં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. બાદમાં કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રપટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ, કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સાંસદો સર્વ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરિયા, શ્રી પૂનમબહેન માડમ, શ્રી વિનોદ ચાવડા, રાજ્યના વિવિધ ધારાસભ્યશ્રીઓ, અગ્રણી ડૉ. ભરત બોઘરા સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં આવેલા શહેરના રાજકીય, સામાજિક અગ્રણીઓ, નગરજનોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

Back to top button
error: Content is protected !!