તા.૨૭.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના હનુમાન બજાર સ્થિત શ્રી રણછોડજી મંદિરેથી જય રણછોડના જય ઘોષ સાથે જગતના નાથ જગન્નાથ, બલરામ તેમજ સુભદ્રાજી વાજતે ગાજતે નગરચર્યાએ નીકળી
ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે અષાઢી બીજના પાવન અવસરે દાહોદના હનુમાન બજાર સ્થિત શ્રી રણછોડજી મંદિરેથી જય રણછોડના જય ઘોષ સાથે જગતના નાથ જગન્નાથ, બલરામ તેમજ સુભદ્રાજી વાજતે ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. અને નિર્ધારિત રૂટ પર ફરી સાંજના સમયે નિજ મંદિરે પરત ફરતા આરતી બાદ નગરચર્યાનું ભક્તિ ભાવ ભર્યા માહોલમાં શાંતિપૂર્ણ રીતે સમાપન થયું હતું. બીજી તરફ આ રથયાત્રામાં મેઘરાજાએ પણ ભગવાન જગન્નાથજીનું મેઘ વર્ષા સાથે સ્વાગત જાણે સ્વાગત કરતાં તેમ ચાલુ રથયાત્રાએ વરસાદી અમી છાંટા પડતાં શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો.
આજે અષાઢી બીજે દાહોદ નગરમાં ભક્તિ ભાવ ભર્યા માહોલમાં શહેરના હનુમાન બજાર સ્થિત શ્રી રણછોડજી મંદિર ખાતેથી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ચાંદીના સાવરણા વડે પહીન્દ વિધિ કરાયા બાદ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તિ ભાવ ભર્યા માહોલમાં, ડીજેના સુરીલા ભક્તિ ગીતો તથા ભજન તેમજ રાસની રમઝટ વચ્ચે જય રણછોડના ગગન ભેદી જય ઘોષ સાથે સુશોભિત રથમાં બિરાજમાન જગતના નાથ જગન્નાથજી, બલરામજી તેમજ સુભદ્રાજી રથયાત્રાના માધ્યમથી નગરચર્યાએ નીકળ્યા હતા. અને નિર્ધારિત રૂટ મુજબ અનાજ માર્કેટના ગેટ નંબર-૧ પાસેથી થઈ બહારપુરા, પડાવ સરદાર ચોક, ખાતે આવ્યા હતા. ત્યાંથી આગળ વધી નેતાજી બજાર, ગાંધીચોક, દોલતગંજ બજાર, ગૌશાળા થઈ સોનીવાડ ખાતેના શ્રી રાધા કૃષ્ણમંદિર ખાતે આવ્યા હતા. જ્યાં ભગવાન જગન્નાથ, બલરામ તથા સુભદ્રાજીએ વિસામો લીધો હતો. આ વિસામા દરમિયાન સોનીવાડમાં દર વર્ષની જેમ આ વખતે પણ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. વિસામા બાદ જગતના નાથ જગન્નાથની નગર ચર્યા આગળ વધી હતી. અને અનાજ માર્કેટ ગેટ નંબર-૨ પાસેથી નીકળી દરજી સોસાયટી, આશીર્વાદ ચોક, ફાયર સ્ટેશન, માણેકચંદ ચોક, ભગીની સમાજ થઈ દેસાઈવાડા થી સ્થિત વલ્લભ ચોક ખાતે આવી હતી. અને ત્યાંથી આગળ વધી એમ જી રોડ, ગાંધી ચોક અને હનુમાન બજાર થઈ જગતના નાથ જગન્નાથ નગરચર્યા પૂરી કરી નિજ મંદિરે પરત આવ્યા હતા. જ્યાં આરતી સાથે નગરચર્યાનું સમાપન થયું હતું. નગરચર્યાના રૂટ પર તમામ સમાજ દ્વારા જગતના નાથ જગન્નાથ, બલરામ તેમજ સુભદ્રાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વ્હોરા સમાજ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. નગર ચર્યાના રૂટ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર અલ્પાહાર, ઠંડા પીણા તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે કરાટેના હેરત ભર્યા દાવ, ચંદન તિલક, ઘોડેસ્વાર, આદિવાસીનૃત્ય, ઓ રેશન સિંદૂર, રાફેલ, નાસિક ઢોલ, ગોરીલા, મહાકાલીકાજી, દાનપાત્ર, રંગોળી વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જગતના નાથ જગન્નાથની નગરચર્યા દરમિયાન કિલો બંધ જાંબુ તેમજ મગ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું