BANASKANTHATHARAD

માટી બચાવવા થરાદ ખાતે સોઇલ ટેસ્ટ લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોઇલ હેલ્થ અને બાયોફર્ટીલાઈઝર માટે વર્ષો પહેલા કામ શરૂ કર્યું - ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી

આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી થરાદ ખાતે બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી (BSTL), બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની (BSSFPC) અને (ડિજિટલી) ખીમાણા ખાતે બનાસ બાયોફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટન માં મોટી સંખ્યા માં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. થરાદમાં બનેલી દેશની એક માત્ર સોઇલ હેલ્થ લેબોરતોરીનું લોકાર્પણ થતા આગમી સમયમાં આ લેબોરેટરી બનાસની માટીને જીવંત બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે. આપણે માટીને બચાવી સજીવસૃષ્ટિને જીવંત રાખવા કામ કરીએ.

આ પ્રસંગે ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પૂજ્ય સદગુરુના જન્મદિવસે બનાસને લેબોરેટરી રૂપે મળેલી આ નવી ભેટ છે. સદગુરુ છેલ્લા કેટલાય સમયથી બીજાના ભલા માટે કામ કરી રહ્યા છે. માટીને બચાવવી આપણા સૌની ફરજ છે. જે માટે બનાસ ડેરીએ ઈશા ફાઉન્ડેશન સાથે મળી આ લેબ માટીને જીવંત બનાવવા કાર્યરત કરી છે. પંચતત્વમાંથી આપણને નવી ઉર્જા મળે છે અને માટી તેમાંથી એક છે.

ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી મુખ્યમંત્રી હતા ત્યારથી સોઇલ હેલ્થ અને બાયો ફર્ટીલાઈઝર માટે કામ કરી રહ્યા છે. આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા તૈયાર કરાયેલ બાયોફર્ટીલાઈઝર તેનું પરિણામ છે. આજે આપણા જીલ્લામાં ખીમાણા ખાતે પ્રવાહી બાયો ફર્ટીલાઈઝર બનાવવાની શરૂઆત થઈ છે. જે આપણને કેમીકલયુક્ત ફર્ટીલાઈઝર થી મુક્તિ અપાવશે. ઝાડના પાંદડા અને પ્રાણીઓના મળમુત્ર આપણી ધરતીનો ખોરાક છે. માટી બચશે તો ભવિષ્યનું જીવન સમૃદ્ધ બનશે. “લેબ ટુ લેન્ડ” ના સંકલ્પ સાથે માટી બચાવવા આપણે સાથે મળી કામ કરવું પડશે.

આ પ્રસંગે ઈશા ફાઉન્ડેશનના સ્વામી નીસર્ગાએ જણાવ્યું હતું કે સોઇલ ટેસ્ટીંગ લેબોરેટરી માટીને જીવંત બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે. સદગુરુ હંમેશા કહે છે કે માટી જીવંત છે અને તેમાંથી જ સમગ્ર પૃથ્વીનું નિર્માણ થયું છે. ખેડૂતો માટે બનાવેલી આ લેબોરેટરી આ વિસ્તારના ખેડૂતોને ઉપયોગી થશે. સદ્ગુરુ પોતે પણ ખેડૂત છે અને ખેતી કરે છે. છેલ્લા ૩૦ વર્ષ કરતા વધુ સમયથી ખેડૂતોના ઉત્થાન માટે તેઓ કામ કરી રહ્યા છે. મહાત્મા ગાંધી અને અમુલ ગુજરાત ની ઓળખ છે. ગુજરાતે શ્વેતક્રાંતિ થકી દેશને નવી દિશા આપી છે. ત્યારે માટીને જીવંત બનાવવા આપને સૌ સાથે મળીને કામ કરીએ. માટી જીવન છે, માટી થી શરીર છે અને માટી થી જ સૃષ્ટિ છે. જેથી સૃષ્ટિને બચાવવા માટી બચાવવી પડશે.

આજે થરાદ ખાતે યોજાયેલા આ ઉદ્ઘાટન પ્રસંગમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, વાઇસ ચેરમેનશ્રી ભાવાભાઇ રબારી, મેનેજીંગ ડિરેક્ટરશ્રી સંગ્રામ ચૌધરી બનાસ ડેરીના ડીરેક્ટરશ્રીઓ, ઈશા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા

પત્રકાર પ્રવીણભાઇ ચૌહાણ થરાદ બનાસકાંઠા

Back to top button
error: Content is protected !!