Rajkot: ભાયાવદરમાં સખી મંડળની બહેનોના સહકારથી નિ:શુલ્ક રંગબેરંગી ટકાઉ થેલીઓ બનાવવાની ઉમદા કામગીરી

તા.૨૦/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: નાગરીકો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને પર્યાવરણના રક્ષણ માટે જાગૃત બને તે માટે “પ્લાસ્ટિકમુક્ત ગુજરાત” અભિયાન અન્વયે “માય થેલી” કેમ્પેઈનની રાજ્યભરમાં શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે અઠવાડિયામાં બે દિવસ જૂના કપડામાંથી નવી રંગબેરંગી થેલીઓ બનાવીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી પર્યાવરણને બચાવવાનો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે. કાપડમાંથી થેલી બનાવવામાં આવતી હોવાથી ચીજ વસ્તુઓ લઇ જવા લાંબો સમય ઉપયોગ કરી શકાય છે , જેનાથી પર્યાવરણને નુકસાન થતું નથી.
“માય થેલી” કેમ્પેઈન અન્વયે રાજકોટ જિલ્લાની ભાયાવદર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અને અર્બન લાઈવીહુડ મિશનના સંયુક્ત ઉપક્રમે ભાયાવદરની સખી મંડળની બહેનો દ્વારા જૂના કપડાનો ઉપયોગ કરીને રંગબેરંગી થેલીઓ બનાવવાની ઉમદા કામગીરી કરવામાં આવી છે. સખી મંડળની બહેનો નગરપાલિકા વિસ્તારના નાગરિકોએ આપેલા પોતાના જૂના કપડામાંથી વિવિધ સુંદર થેલીઓની સ્થળ પર જ નિ:શુલ્ક સિલાઈ કરી આપે છે. “માય થેલી” કાર્યક્રમમાં ભાયાવદર નગરપાલિકાના પ્રમુખશ્રી, એસ.ડબલ્યુ.એમ. એન્જીનીયરશ્રી અને આઈ.ટી. એક્સપર્ટ ઉપસ્થિત રહ્યા હતા.





