Rajkot: રાજકોટ જિલ્લાના બાળકોને પોષણક્ષમ બનાવવા આઈ.સી.ડી.એસ. શાખાની સરાહનીય કામગીરી
તા.૧૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ગામે ગામ થઇ રહી છે પોષણ માસની ઉજવણી
લોધીકા તાલુકાના ૫૫ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળ તંદુરસ્ત હરીફાઈ યોજાઈ
ખીરસરા આંગણવાડી કેન્દ્ર ખાતે સી.ડી.પી.ઓ.એ ધાત્રી, સગર્ભા બહેનોને પોષણયુક્ત આહારની જાણકારી આપી
Rajkot: રાજકોટ જિલ્લામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.નવનાથ ગવ્હાણેના માર્ગદર્શનમાં તથા પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રી નાથજીના સંકલન હેઠળ આઇ.સી.ડી.એસ. ટીમ દ્વારા ગામે ગામ આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે.
ત્યારે તા.૧૦ સપ્ટેમ્બરના રોજ લોધીકાની ૫૫ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળ તંદુરસ્તી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બાળકોના વજન, ઊંચાઈ કરવાની સાથે બાળકને પોષણયુક્ત આહાર મળી રહે તે અંગે બાળકોના વાલીઓ સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.
લોધીકા તાલુકા સી.ડી.પી.ઓ. શોભનાબેન લાડાણીએ ખીરસરા આંગણવાડી કેન્દ્ર ખાતે ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો, કિશોરીઓ તથા બાળકોના વાલીઓને પોષણયુક્ત આહારની જાણકારી આપી દૈનિક ભોજનમાં પોષણ જળવાઈ રહે તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા પણ પોષણ અંગેની માહિતી આપી બાળ તંદુરસ્ત હરિફાઈ યોજવામાં આવી હતી. જેમાં બાળકોની દિનચર્યા જાણી બાળકની સારી આદતો વિશે ચર્ચા કરીને યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. બાળ તંદુરસ્ત સ્પર્ધામાં વિજેતા ત્રણ બાળકોને પ્રોત્સાહિત કરી આઈ.સી.ડી.એસ. ટીમ દ્વારા ઇનામ વિતરણ કરાયું હતું.
તથા સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ તથા કિશોરીઓને પોષણ બીજ વિતરણ કરી એનિમિયા, બાળકના પ્રથમ સોનેરી ૧૦૦૦ દિવસ, સ્વચ્છતા, પૌષ્ટિક આહાર, ઝાડા નિયંત્રણ વિશે માહિતી આપી હતી. તેમજ ટી.એચ.આર. અંગે વિડીયો બતાવ્યો હતો.
આ કાર્યક્રમમાં સુપરવાઈઝર ભગવતીબેન બાલાસરા, પ્રતિભાબેન નસીત, તાલુકા એન.એન.એમ. કો-ઓર્ડીનેટર માનસીબેન હિંસુ, વર્ષાબેન ચાવડા, કાર્તિકભાઈ કાનગડ વગેરે હાજર રહ્યા હતા.