GUJARATJETPURRAJKOTUncategorized

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થશે રૂ. ૧૨૯.૫૩.કરોડ નાં ખર્ચે તૈયાર થયેલ બ્રીજનું લોકાર્પણ

તા.૨૫/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

સંકલન – ભાવિકા લીંબાસીયા

અંદાજિત બે લાખ જેટલા નાગરિકોને મળશે સરળ પરિવહનનો લાભ:ટ્રાફિકના યોગ્ય નિયમન થકી સમય, શક્તિ, ઈંધણ અને નાણાંનો થશે બચાવ

ટેક્નોલોજીનાં મહત્તમ લાભ થકી નાગરિકોને જરૂરી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો અભિગમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપનાવ્યો છે ત્યારે ગુજરાતના નાગરિકોની સુખાકારીના કામોને વધુ વેગવંતા બનાવી માળખાકીય સુવિધાઓ વધારવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કટિબદ્ધ બની પરિણામલક્ષી કામગીરી કરી રહી છે.

રાજકોટ શહેર દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે તહેવારોની મોસમમાં રાજકોટવાસીઓને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પિત કરવા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટના આંગણે તા.૨૭ જુલાઈના રોજ પધારી રહ્યા છે. જેમાં ટ્રાફિકનું યોગ્ય નિયમન કરી શકાય તે માટે વિકાસના રાજમાર્ગ સમા કાલાવડ રોડ ઉપર અંદાજીત રૂ.૧૨૯.૫૩.કરોડ ના ખર્ચે નિર્માણ પામેલા શહેરનાં પ્રથમ મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે.

આ ફલાયઓવર બ્રિજની વિશેષતા એ છે કે, હયાત બ્રીજ ઉપર નવો બ્રીજ બનાવાયો છે. કે.કે.વી. ચોક પર ચીમનભાઈ શુક્લ ઓવરબ્રિજ પહેલાથી જ આવેલો હતો, ભવિષ્યમાં થનારી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને રાજ્ય સરકારશ્રીના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બી.આર.ટી.એસ.બ્લુ કોરિડોર પર કે.કે.વી ચોક પર આવેલ બ્રિજ ઉપર નિષ્ણાંતોના અભિપ્રાય મેળવી મલ્ટી લેવલ ફલાયઓવર બ્રિજ બનાવવાની ડીઝાઇન તૈયાર કરવામાં આવી હતી. જે અંતર્ગત ઇ ટેન્ડર પ્રસિદ્ધ કરી સ્પર્ધાત્મક ઓફર મંગાવી ખાનગી કંપની સાથે સ્થાયી સમિતિની મંજૂરી મેળવી કરાર કરવામાં આવ્યો અને તા.૨૧.૦૧.૨૦૨૧ થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો.

કે.કે.વી. ચોકમાં મધ્યમાંથી ૧૫ મીટરની બ્રિજની કુલ ઉંચાઈ છે એટલે કે, જમીનથી આ બ્રિજનો સેન્ટ્રલ સ્પાન ૫૦ ફુટ ઉંચો છે. સેન્ટર સ્પાનમાં ૪૫ મીટરનાં ૭ સ્ટીલ ગર્ડર ઉભા કરવામાં આવ્યા છે. ફ્લાયઓવર બ્રિજની બંને બાજુ ૫.૫૦ મી.થી ૮.૫૦ મી.નો સર્વિસ રોડ, બ્રિજની નીચે ૭૫૦૦ ચો.મી.નું પાર્કિંગ, પેડેસ્ટ્રિયન માટે ફૂટપાથની વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વૉટર લાઈન તથા સર્વિસ યુટિલીટી ડક્ટ એ બ્રીજની મુખ્ય વિશેષતાઓ છે.

બ્રિજમાં સૌથી વચ્ચેનો ભાગ સ્ટીલ ગર્ડરનો જ્યારે બાકીનો ભાગ સિમેન્ટમાંથી બનેલા ગર્ડરનો હોવાથી બંને સ્થળે અલગ અલગ ટેક્નિકથી બ્રિજની ડિઝાઈન મુજબ ૩૦ ટન વજન ભરેલી ૬ ટ્રક સાથે કુલ ૧૮૦ ટન વજન સ્ટીલ ગર્ડર અને ૩૪ ટન વજન ભરેલી ૪ ટ્રક સિમેન્ટ ગર્ડર પર ૨૪ કલાક સુધી રાખી લોડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરી હોય તેટલું ડિફ્લેક્શન એટલે કે ઝુકાવ પણ જોવા મળ્યો હતો. સ્ટીલ ગર્ડરમાં આ મર્યાદા ૨૨.૬૩ એમ.એમ. હતી, જ્યારે સિમેન્ટ ગર્ડરમાં ૪.૨૫ એમ.એમ. હતી. લોડ ટેસ્ટિંગમાં બંને સ્થળે રેંજ કરતા ઓછું ડિફ્લેક્શન નોંધાયું હતું. તેના પરથી બ્રિજની મજબુતાઈનો ક્યાસ કાઢી શકાય.

રાજકોટના હાર્દ સમા શહેરનાં કાલાવડ રોડના કે.કે.વી. ચોક પર ૪ લેન (ર લેન + ૨ લેન) મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજ ૧૧૫૨.૬૭ મી. લંબાઇ, ૧૫.૫૦ મી. પહોળાઈ તથા ૧૫ મી. ઊંચાઈએ નિર્માણ પામ્યો છે. કાલાવડ રોડ તરફ બ્રિજની લંબાઈ ૬૯૦ મીટર અને કોટેચા ચોક તરફ ૪૧૭ મીટર છે. કાલાવડ રોડ ઉપર પ્રિન્સેસ સ્કૂલથી ફલાયઓવર શરૂ થશે, જે કે.કે.વી. ચોકના હયાત ફલાયઓવરની ઉપરથી પસાર થશે અને રાજકોટ મહાનગરપાલિકાના સ્વામી દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલ પાસે વિરામ પામશે. મહિલા કોલેજ અંડરબ્રિજથી સીધા કાલાવડ રોડ સ્વિમિંગ પુલ સુધી જવા માગતા વાહનો ટ્રાફિકની સમસ્યા નડશે નહીં પરિણામે સમય, શક્તિ, ઈંધણ અને નાણાંનો બચાવ થશે. નવનિર્મિત બ્રિજ પરથી ઉતર્યા બાદ મોટા મૌવા, મેટોડા તરફ જવા માંગતા વાહન ચાલકોને સીધો જડ્ડુસ રેસ્ટોરન્ટ ચોક બ્રિજ કનેકટ થઈ જશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પિત થનાર આ પુલથી અંદાજિત બે લાખ જેટલા નાગરિકોને સરળતાથી પરિવહનનો લાભ મળશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!