GUJARAT

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાનો ફર્સ્ટ ટાઈમ વોટર સાથે સંવાદ

પ્રથમ વખત મતદાન કરવા યુવા મતદાતા ઉત્સાહિત: પરિવારજનો સહિત અન્ય મતદારોને અચૂક મતદાન કરવા કરશે પ્રોત્સાહિત

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી પ્રક્રિયા પાછળ ઉઠાવાતી જહેમત અને મતના મહત્વ વિશે કરી સાર્થક ચર્ચા

જૂનાગઢ તા.૨૫ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ કોલેજોમાં કેમ્પસ બ્રાન્ડ એમ્બેસેડર એવા ફર્સ્ટ ટાઈમ વોટર સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી પ્રક્રિયા પાછળ તંત્ર દ્વારા ઉઠાવતી જહેમત અને લોકશાહીમાં મતના મહત્વ વિશે આ યુવા મતદારો સાથે સાર્થક ચર્ચા કરી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સાથેના સંવાદમાં પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા ઉત્સાહથી ભરપૂર યુવા મતદાતાઓ તા.૭મી મે અચૂક મતદાન કરવાની સાથે પોતાના પરિવારજનો, મિત્રો સહિત અન્ય મતદાતાઓને મતદાન કરાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.

આ સંવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું કે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા રચનાત્મક રીતે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ આપ સૌ યુવાઓ કોલેજોમાં કેમ્પસ એમ્બેસેડર તરીકેની ભૂમિકા અદા કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બન્યા છો.

તેમણે કહ્યું કે એક મત પાછળ ચૂંટણી તંત્ર દ્વારા ખૂબ મોટી જહેમત ઉઠાવવામાં આવે છે. ૧૩- જૂનાગઢ લોકસભા મતવિસ્તાર હેઠળનું બાણેજ મતદાન મથક માત્ર એક મતદાર માટે ઊભું કરવામાં આવે છે. ગીર અભયારણ્ય વિસ્તારમાં કનકાઈ મતદાન મથક કે,જ્યાં નેટવર્ક પણ નથી મળતું તેવા દુર્ગમ વિસ્તારમાં પણ મતદાન મથક ઊભું કરવામાં આવે છે.

ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઇલ લિપિ વાળા બેલેટ યુનિટ, દિવ્યાંગ માટે વ્હીલ ચેર વગેરે સુવિધાઓ આપવામાં આવે છે. તેમજ મતદારો પોતાના ઉમેદવારો વિશે વિસ્તૃત જાણકારી મેળવી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા know your candidate નામની એપ તૈયાર કરવામાં આવી છે. મતદારો માટે મતદાન મથક પર રેમ્પ, છાયડો, વગેરે પ્રાથમિક સુવિધા મળી રહે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. સાથે જ કોઈપણ મતદારને સામાન્ય રીતે ૨ કિલોમીટરથી વધારે મતદાન કરવા માટે દૂર જવું ન પડે તે રીતે મતદાન મથક ઉભા કરવામાં આવે છે.

આમ, ચૂંટણીમાં મતદારો માટે ખૂબ મોટાપાયે વ્યવસ્થાઓ કરવામાં આવે છે, ત્યારે ચૂંટણી પર્વને એક સેલિબ્રેશન તરીકે લઈ  લોકશાહીના મહાપર્વમાં મતદાન કરી સહભાગી બનીએ.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાને પ્રથમ વખત વોટ કરવાનો અનુભવ યાદ કરતા કહ્યું કે, લોકશાહીમાં મોટા પાયે મતદાનના ન થાય તે ઉચિત નથી. તેમણે ફર્સ્ટ ટાઈમ વોટર એવા યુવાઓને પરિવારજનો સહિત અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું. સાથે જ આ યુવાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ફર્સ્ટ ટાઈમ વોટર યુવાઓએ પ્રતિભાવ આપતા પ્રથમ વખત મત  આપવા ખૂબ ઉત્સાહિત હોવાનું જણાવ્યું હતું.

એક મતથી પણ ફેર પડે છે, તેમાં બેમત નથી. તેવો પણ આ કાર્યક્રમમાં સૂર વ્યક્ત થયો હતો.

કલેકટર કચેરી ખાતે આયોજિત મતદાન જાગૃતિ અર્થેના સંવાદમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. એફ. ચૌધરી સ્વિપના નોડલ અધિકારી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિપુલ ઘુંચલા સહિતના અધિકારીઓ અને ફર્સ્ટ ટાઈમ વોટર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શ્રી ભરત મેસિયા કર્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!