જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા પ્રિ-સ્ક્રુટિ કેમ્પનું સફળ આયોજન કરાયું
19 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
દાંતીવાડા ખાતે ૨૪૩ ઉમેદવારોમાંથી ૧૨૦ ઉમેદવારોની બી.એસ.એફ. ભરતી માટે પૂર્વ તાલીમ માટે પસંદગી કરાઈ.ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાધનને આર્મી/સી.આર.પી.એફ/બી.એસ.એફ/પોલીસ ફોર્સમાં જોડાવવા માટે દર વર્ષે સરહદી જિલ્લાઓમાં નિવાસી તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા તા. ૧૮/૦૯/૨૦૨૫ ના રોજ ૩૧ બટાલિયન બી.એસ.એફ. દાંતીવાડા ખાતે આર્મી, સી.આર.પી.એફ અને બી.એસ.એફ. ભરતી માટે પ્રિ-સ્ક્રુટિની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં જોડાવા માટે કુલ ૨૪૩ ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી સાથે રનિંગ, હાઇટ, વેઇટ અને ચેસ્ટ જેવા માપદંડો આધારે શારીરિક ક્ષમતા તપાસવામાં આવી હતી. પ્રિ-સ્ક્રુટિની પ્રક્રિયા પછી કુલ ૧૨૦ ઉમેદવારોની પસંદગી કરીને તેમને નિવાસી તાલીમ વર્ગોમાં સામેલ કરવામાં આવ્યા છે.જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા આયોજન કરાયેલા આ તાલીમ વર્ગોમાં દરેક વર્ગ દીઠ ૩૦ ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે. તા.૧૮/૦૯/૨૦૨૫ થી પ્રથમ તાલીમ વર્ગની શરૂઆત થઈ ચૂકી છે જ્યારે બાકીના વર્ગોની તાલીમ તબક્કા વાર પૂર્ણ કરવામાં આવશે.જેમાં યુવાનોને ૩૦ દિવસ માટે રહેવા, જમવા અને ફિઝિકલ તાલીમ પણ આપવામાં આવશે અને દિવસ દરમિયાન જનરલ નોલેજ, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને કોમ્પુટર વિષયનું નિષ્ણાત શિક્ષકો દ્વારા લેક્ચર આપી લેખિત અને ફિઝિકલ માટે તૈયાર કરવામાં આવશે. તેમજ ઉમેદવારોને ટ્રેકસૂટ, બુટ અને અભ્યાસ માટે સ્ટેશનરી આપવામાં આવશે. ઉમેદવારો ને તેમની હાજરી પ્રમાણે દિવસ દીઠ રૂ ૧૦૦/ પ્રમાણે મહત્તમ રૂ ૩૦૦૦/- સ્ટાઈપેન્ડ DBT માધ્યમ થી સીધા ખાતામાં ચૂકવવામાં આવશે.આ પ્રસંગે ૩૧ બટાલિયન બી.એસ.એફ.ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે સેનામાં સી.આર.પી.એફ. તથા બી.એસ.એફ.માં જોડાવું માત્ર રોજગારીનો અવસર જ નહીં પરંતુ દેશસેવાનો પવિત્ર અવસર છે. જિલ્લા રોજગાર કચેરીના અધિકારીએ જણાવ્યું કે આવા પ્રિ-સ્ક્રુટિની કેમ્પથી યુવાઓને યોગ્ય માર્ગદર્શન, પોતાની ખામીઓ સુધારવાની તક તથા અંતિમ પસંદગી પ્રક્રિયામાં આત્મવિશ્વાસ મળે છે. એમ જિલ્લા રોજગાર અધિકારી શ્રી એમ.જી પ્રજાપતિ (વ્યમા) દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે