GUJARATJETPURRAJKOT

Rajkot: ગરબાની તાલે ઝૂમી ઉઠી રાજકોટ શહેર કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા ૨૦૨૩-૨૪

તા.૨૯/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રેકોર્ડિંગ વિના જ પરંપરાગત રીતે સાજીંદાઓ અને, ગરબે ઘુમનાર બહેનો જ ગરબા રમતા રમતા ગીતો પણ જાતે જ ગાયા, ૧૮ ટીમોના કૂલ ૩૬૦ થી વધુ સભ્યોએ ભાગ લીધો

Rajkot: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કરોરી, રાજકોટ સંચાલિત એચ.જે ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લી ના આર્થિક સહયોગથી “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “રાજકોટ શહેર કક્ષા નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૩”નું હેમુ ગઢવી નાટયગૃહ, રાજકોટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેષ દિહોરાએ કહ્યું હતું કે, ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનું જતન કરવાના ઉદે્શ્યને પરિપુર્ણ કરવા છેવાડાનાં ગામડાથી માંડીને શહેરો સુધી સર્જનાત્‍મક વાતાવરણનું નિર્માણ કરીને પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તકો અને કલાકારોની કળાને જાળવી રાખીને પુરસ્‍કૃત કરવાના અભિગમ સાથે પ્રતિવર્ષ શહેરી અને જિલ્લા કક્ષાનો રાસ ગરબાનો કાર્યક્રમ રાજ્ય સરકારશ્રી દ્વારા યોજવામાં આવે છે. આવા કાર્યક્રમ થકી કલાકારો પોતાની કલાને ઉજાગર કરી શકે તે માટે પ્લેટકોર્મ મળી રહે છે. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એસ.કૈલાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

રાસગરબા એ ગુજરાતની લોકસંસ્કૃતિનું આગવું અંગ છે. રાસ અને ગરબાની પરંપરાની બાબતમાં ઉજળો ઇતિહાસ અને સંસ્કૃતિની ભવ્યતા સહેજે ઉડીને આંખે વળગે તેવી છે. રાસ પરથી ભગવાન શ્રીકૃષ્ણ, રાધાજી અને ગોપીઓ આપણને સહેજે યાદ આવી જ જાય. આમ રાસ દ્વાપરયુગથી પ્રચલિત જોવા મળે છે. ગુજરાતની ગૌરવપૂર્ણ લોકસંસ્કૃતિના જતન અને સંવર્ધન અર્થે વિભાગ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા અને રાસ જેવી વૈવિધ્ય પૂર્ણ કૃતિઓ રજુ કરાઈ હતી. આ કૃતિઓની મૂળ સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે કોઈ સીડી-ડીવીડી, યુ.એસ.બી. કે રેકોર્ડિંગ વિના જ પરંપરાગત રીતે સાજીંદાઓ અને ગરબે ઘુમનાર બહેનો જ રાસ-ગરબા રમતા રમતા ગીતો પણ જાતે જ ગાયા હતા. આમ, તમામ રાસ અને ગરબાઓની પરંપરાગત પ્રસ્તુતિ કરાઈ હતી.

આજની આ સ્પર્ધામાં અલગ-અલગ કુલ ૧૮ ટીમોના ૩૬૦ થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. જે પૈકી પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમે શ્રી એમ એન વિરાણી કોલેજ, બીજા ક્રમે જય મહાલક્ષ્મી ગૃપ અને ત્રીજા ક્રમે ચામુંડા ગૃપ જ્યારે રાસમાં પ્રથમ ક્રમે નટરાજ કલા મંદિર, બીજા ક્રમે કારડીયા રાજપુત રાસ મંડળ, અને ત્રીજા ક્રમે જય ભવાની ગૃપ અને અર્વાચીન ગરબામાં પ્રથમ ક્રમે શ્રી વૃંદ ગ્રૃપ, બીજા ક્રમે શ્રી આત્મિય યુનિવર્સિટી અને ત્રીજા ક્રમે જય નવદુર્ગા ગૃપે મેળવ્યો હતો.

આ સમયે ક્રૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારીકાની વાટે, લીધો મહિયાર કેરો વેશ, દુધે તે ભરી તલાવડી ને, મોતીડે બાંધી પાળ રે, હાલોને જોવા જઈએ ઢોલાજી રે મારવાડાનો દેશ, અમે મહિયારા રે, ગોકુળ ગામના, રૂડે ગરબે છે દેવી અંબિકા રે…. જેવા વિવિધ ગીતો પર સ્પર્ધકોએ રાસ-ગરબા રમીને નવરાત્રીનો માહોલ બનાવ્યો હતો.

આ તકે પ્રાચીન-અર્વાચીન ગરબાની કેટેગરીમાં શ્રી સુરેશભાઈ યાદવ (ભાવનગર), અંજનાબેન અગ્રાવત (જામનગર), મીરાબેન ઉપાધ્યાય (રાજકોટ), તથા રાસની કેટેગરીમાં શ્રી મહેન્દ્રભાઈ અણદાણી(જામનગર), વિપુલભાઈ ભટ્ટ (રાજકોટ), અને શ્રી સુરેશભાઈ યાદવ (ભાવનગર) એ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!