AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટ ITF M25નો પ્રારંભ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: રાજ્યમાં રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન વધારવા માટે કટિબદ્ધ ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ સ્પર્ધાનું આયોજન કર્યું છે. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે ‘ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25’નું ઉદ્ઘાટન કર્યું. આ ટુર્નામેન્ટનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરવામાં આવ્યું છે.

ઉદ્ઘાટન પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચરને વિકસાવવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે ગુજરાતના વિવિધ શહેરોમાં 10થી વધુ નેશનલ અને ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સનું આયોજન કરાયું છે, જે રાજ્યમાં રમતગમતના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

હર્ષ સંઘવીએ એ પણ નોંધ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ‘ખેલ મહાકુંભ’ દ્વારા અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ ઉદ્ભવ્યા છે. રાજ્ય સરકાર ખેલાડીઓને શ્રેષ્ઠ તાલીમ અને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણ સમર્પિત છે.

આ પ્રસંગે ટેનિસ રમતમાં ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડી આર્યન શાહ અને સમર્થને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. આર્યન શાહ ભારતીય ડેવિસ કપમાં રમી ચૂક્યો છે, જ્યારે સમર્થ જુનિયર ડેવિસ કપ ખેલાડી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરની આ ટેનિસ ટુર્નામેન્ટ 30 માર્ચ સુધી ચાલશે, જેમાં 12થી વધુ દેશોના આશરે 80 ખેલાડીઓ ભાગ લેશે. ટુર્નામેન્ટ દરમિયાન વિજેતાઓને ઈનામોથી સન્માનિત કરવામાં આવશે.

ઉદ્ઘાટન સમારંભમાં ટેનિસ સંગઠન સાથે જોડાયેલા સ્વપ્નિલ દેસાઈ, ચિંતન પરીખ, શ્રીમલ ભટ્ટ, ચિરાગ પટેલ, તેમજ દેશ-વિદેશના ખેલાડીઓ અને રમતગમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!