MORBI -મોરબી હવે ઓળખાશે સીલીકોસીસ સીટી તરીકે, નહી કે સીરામીક સીટી
MORBI -મોરબી હવે ઓળખાશે સીલીકોસીસ સીટી તરીકે, નહી કે સીરામીક સીટી
છેલ્લા છ મહીનામાં મોરબીના ઉધ્યોગોએ લીધો ૧૫ પીડીતોનો ભોગ.“ જીસ ઘરમેં બસ એક કમાનેવાલા હો, મર જાયે તો ઘર કા ઘર મર જાતા હૈ ”
છેલ્લા છ મહીનામાં મોરબીમાં ૧૫ ઘર મરી ગયા. આ ઘર મર્યા સીલીકોસીસને કારણે અને સીલીકોસીસ થયો સીરામીકમાં મજુરી કરવાને કારણે.ઘર પોતે કેવી રીતે મરે છે તે જુઓઃ પ્રકાશભાઈના પત્ની જ્યોતિબેનને પતીની સારવાર પાછળ દાગીના વેચવા પડઆ અને ગુજરાન ચલાવવા ૨ લાખનું દેણું પણ કરવું પડ્યું, ૩ નાના બાળકો છે એમને હવે એકલે હાથે ઉછેરવા કેમ તેની ચીંતા જ્યોતિબેનને કોરી ખાય છે. મોં ફાડીને ઉભેલા આ સવાલોના જવાબ આપનાર કોઇ નથી. દેણું કેમ ફેડાશે? જે કંપનીઓનું કામ કરતાં પ્રકાશભાઇનો જીવ ગયો તે તેમને વળતર ચુકવશે? ૩ મહીના પહેલા જ પ્રકાશભાઇના સગાભાઈ ભરતભાઈ માર્ચ ૨૦૨૪માં એ જ સીલીકોસીસથી મૃત્યુ પામ્યા અને એમના ઘરની પરીસ્થિતી પણ એવી જ છે. સમલીના કરશનભાઈના પરીવાર અને મોરબી વિક્રમભાઈના પરીવારે તો ૧૦-૧૦ લાખથી વધુ રૂપિયાનો દેણામાં નાખ્યા પછી પણ પોતાના લાડકવાયાને બચાવી શક્યા નથી.
મોરબી જીલ્લાનું સીરામીક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સીરામીક પ્રોડકટ્સનું ઉત્પાદન કરતું ક્લસ્ટર છે પણ કામદારો વગરના મોરબીની કલ્પના કરી જુઓ. જે કારીગરો શહેરના ઉદ્યોગોને ધબકતું રાખે છે તેની પરવા અહીં છે કોઇ ને? જેમના મોત થયા છે તેમના કુટુંબના મુંગા આંસુ કોઇને સંભળાય છે?
સીરામીક એકમોએ કામદારોને સીલીકોસીસ નામની વ્યવસાયીક બીમારી આપી અને આ બીમારી વળતરપાત્ર હોવા છતાં કામદારો પાસે કામના પુરાવા જ ન હોવાને કારણે આ કાયદા માત્ર કાગળના વાઘ પુરવાર થાય છે. આ મોરબી શ્રમ આયુક્તની કચેરી અને જીલ્લા ઔધ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી કચેરી બંનેની કામગીરી ઉપર પ્રશ્ન ચિન્હ ઊભો કરે છે.
મહીના દીઠ મૃત્યુના આંક આ મુજબ છે. ફેબ્રુઆરી – ૨, માર્ચ – ૩, એપ્રિલ – ૩, મે – ૧, જુન –૩ , જુલાઇ – ૩ એવી રીતે કુલ ૬ મહીનાના સીલીકોસીસથી મૃત્યુની આંકડા ૧૫ થાય. આ ૧૫ પરીવારમાં મુખ્ય કમાવનાર જ મોતને ભેટયા છે.સવાલ છે – મુજરીમ કૌન? આ મોત માટે જવાબદાર કોણ? ઉધ્યોગો? ટેકનોલોજી? સરકાર? રોકાણકાર? ગ્રાહકો? કામદાર પોતે? કે સમાજ ?