ANJARGUJARATKUTCH

પૂર્વ કચ્છમાં ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવા ક્યા અધિકારીઓ કે પદાધિકારીઓનો પીઠબળ?

ખનીજ માફિયા દ્વારા સરકારી કર્મચારીપર સરાજાહેર હુમલાબાદ પણ કોઈજ કાર્યવાહી નહિ

ખાણખનીજ અધિકારી એન.એ.પટેલ રજા પર જતા ખનીજ માફિયાઓ આળસ મરડી ફરી બન્યા બેફામ!!!!

અંજાર : પૂર્વ કચ્છમાં ખનિજચોરો માટે જાણે પોપાભાઈનું રાજ હોય તેવો માહોલ સર્જાવા પામ્યો છે. આવા બેફામ બનેલા ખનિજચોરો કોઈપણ અધિકારી કે પત્રકારો પર હુમલા કરવા કે ધમકીઓ આપવામાં પણ પાછીપાની કરતા નથી. આવા ગુંડા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં તંત્રને કોની સેહશરમ નડી રહી છે તે પણ એક યક્ષ પ્રશ્ન છે. ગત ૧ મેંના રોજ તંત્રની મહેરબાનીથી પૂર્વ કચ્છમાં ખનીજ માફીયાઓ ફાટી નીકળ્યા છે. જેની આડઅસર રૂપે ખુદ ભૂસ્તરશાસ્ત્રી કચેરીના કર્મીઓ પર ડમ્પર માલિક દ્વારા હુમલો કરાયાનો બનાવ બન્યો હતો ફરિયાદમાં જણાવ્યા મુજબ રોયલ્ટી ઈન્સ્પેક્ટર દિલીપ નકુમ અને સિક્યુરિટી ગાર્ડ જયપાલસિંહ ગોહિલ અંજારના ગળપાદર રોડ પરથી ડમ્પર નંબર જીજે-૧૯-એક્સ-૨૦૦૦ વાળું ઓવરલોડ જણાતા વજન કરાવવા લઈ જવાઈ રહ્યું હતું. ત્યારે રસ્તામાં જ ડમ્પર માલિક ફરીદ ફતેહઅલી ખોજાએ પોતાનું બાઈક ડમ્પર આડે મૂકી ડમ્પરની કેબીનમાં ધસી જઈ સિક્યુરિટી ગાર્ડ ગોહિલ પર પાઈપ વડે હીંચકારો હુમલો કર્યો હતો. એટલું જ નહીં ઘાયલ સિક્યોરિટી ગાર્ડને ધાકધમકી કરી ઉતારી દીધા બાદ ડમ્પર ખાલી કરી ઘટના સ્થળેથી ડમ્પર પણ હંકારી નાસી ગયો હતો. જો કે ચમત્કારિક રીતે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં લીઝ માપવા ગયેલી ટીમ સમક્ષ ખાલી ડમ્પર સીઝ કરવા રજુ પણ કરાઈ દેવાયું હતું!

વિશ્વસનીય સુત્રોનું માનીએ તો હુમલાવર બાઈકથી નહીં બ્લેક કલરની એસયુવી ગાડીથી આવ્યો હતો. બીજીતરફ ફરિયાદી રોયલ્ટી ઈન્સ્પેક્ટર એક તબક્કે ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા હતા. એટલે જ કદાચ ઘટનાની ગંભીરતા જાણતા હોવા છતાં પહેલા પોલીસ ફરિયાદ કરવાની બદલે લીઝ માપણીનો ડોળ કરવામાં આવ્યો હતો. પણ તટસ્થ અધિકારી એ.એન.પટેલ દ્વારા ઘટનાની ફરિયાદ નોંધાવવાના કડક સૂચન બાદ ન છૂટકે અંજાર પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી અને આખરે અંજાર પોલીસ મથકે એફઆઈઆર નોંધવામાં આવી હતી. અહીં ભુલવું ન જોઈએ કે સરકારમાં રહીને આવા ખનીજ ચોરોની ગુલામી કરતા બે ભ્રષ્ટ કર્મીઓના કારણે ક્યારેક નિર્દોષને જીવ ગુમાવવાનો વારો આવશે શું ત્યારે તંત્ર જાગશે? કે પછી ગત તા.૧મેં ના રોજ બનેલા બનાવની ગંભીરતા સમજી કચેરીના આવા ભ્રષ્ટ વહીવટદારો વિરુદ્ધ અને ખનીજ માફીયાઓ પર ઘોસ બોલાવવામાં આવશે તેવા આકરા સવાલો જાગૃત નાગરિકો દ્વારા ઉઠી રહ્યાં છે.

અંજાર ભૂસ્તરશાસ્ત્રીની કચેરી બહાર ફોલ્ડરીયાઓનો જમાવડો..
અંજાર ભૂસ્તરશાસ્ત્રીની કચેરી બહાર ફોલ્ડરીયાઓનો જમાવડો..

આજે પણ ભૂસ્તરશાસ્ત્રી કચેરી સામે આવા ખનીજ માફિયાઓનો જમાવડો સતત જોવા મળી રહ્યો છે. જે ટીમ દ્વારા તપાસ કે કોઈ પણ કામસર બારે નીકળવાનું થાય કે તરતજ સરકારી ભ્રષ્ટ કર્મી દ્વારા જાણ કરીદેવાય અને ખનીજ ખાતાના વાહનની રેકી કરીને ખનીજ ચોરોના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરીને રૂકજાવ ના મેસેજ કરીને ખનીજ ચોરોને સાવધાન કરી દેવાય છે. આ મામલે ખનીજ ચોરોના આવા મળતીયાઓનો જમાવડો દૂર કરવો જોઈએ અને કચેરીમાં ફરજ બજાવતા આવા ભ્રષ્ટ કર્મીઓવિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જરૂરી બન્યું છે. બીજીબાજું લાલબત્તી સમાન ઘટનના આરોપીઓ આટલા દિવસો બાદ પણ પોલીસ પકડથી દૂર બેફિકર બની ફરી રહ્યા છે જે ઘણું બધું સૂચવી જાય છે. આવા ભ્રષ્ટ કર્મચારીઓ સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાડી રહ્યા છે તેને ડામવામાં નહિ આવે તો સરકારી કર્મચારીઓ અને પત્રકારો પર હીંચકારા હુમલાઓ બનતા રહેશે અને આવા ખનીજ માફિયાઓ દ્વારા ધમકીઓ પણ મળતી રહેશે તેમાં કોઈજ શંકાને સ્થાન નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!