NAVSARI

નવસારી જિલ્લામાં ખેરગામ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી આન, બાન, શાન સાથે કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ભારતના  ૭૭મા સ્વાતંત્ર્યપર્વની  ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી ખેરગામ સ્થિત હેલીપેડ ગ્રાઉન્ડ, આઇ.ટી.આઇ. ની બાજુમાં સરસીયા રોડ ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ  યાદવના અધ્યક્ષસ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. કલેકટર શ્રીએ રાષ્ટ્ર ભક્તિનાં અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ નિમિત્તે જિલ્લાની વિવિધ કોલેજ-શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું.  આ અગાઉ, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે પોતાનાં પ્રવચનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સહિતનાં સ્વાતંત્ર્ય વીરોનાં બલિદાનને યાદ કરી સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, દેશની સ્વતંત્રતા કાજે પોતાના જાન ન્યોછાવર કરનાર અનેક વીર સપૂતોનાં બલિદાનોનાં કારણે મળેલી આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમનાં યોગદાનને યાદ કરવાનાં શુભ આશયથી સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે.

જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે આ મોંઘેરી, વ્હાલી આઝાદી મેળવવાની લડાઈમાં નવસારીનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે. નવસારી જિલ્લાના અનેક વીરોએ સ્વતંત્રતા સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનને કલેકટરશ્રી એ યાદ કરતા આદરાંજલિ પાઠવી હતી. આ શુભ અવસરે તેમણે આપણા મહાન દેશને વધુ આગળ લઈ જવા કાર્યરત થવા, તમામ દેશબાંધવોને સાથે લઈને પ્રગતિ સાધવાનો શુભ સંકલ્પ લેવા સૌને અપીલ કરી હતી.

વધુમાં કલેકટરશ્રીએ આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ અને રાજ્યમાં મારી માટી મારો દેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દેશ ભકતિનું આ અનોખું અભિયાન જન જનની સહજ ભાગીદારથી મહેકી રહ્યું છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ ઘરો પર તિરંગો લહેરાવી અનોખી રીતે ઉજવણી કરી સહભાગી થવા બદલ જિલ્લાવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનને અદભુત પ્રતિસાદ મળ્યો છે. નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોને યાદ કરીને રાષ્ટ્રભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાના આશયથી શરૂ કરાયેલ આ અભિયાન તમામ વર્ગ, સમાજને જોડનારૂ બની રહ્યું છે. ગુજરાતે ખેતી-ઉદ્યોગ ક્ષેત્રે સાધેલા સમતોલ, સર્વસમાવેશ વિકાસની વાત કરતા તેમણે જિલ્લાએ છેલ્લા વર્ષોમાં કરેલી પ્રગતિ વિશે વિગતવાર જણાવ્યું હતું.

 આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી વિશે વાત કરતા કલેકટરશ્રીએ જિલ્લામાં પી.એમ.આવાસ યોજના, નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાલક માતા પિતા યોજના, દિવ્યાંગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલા લક્ષી યોજનાઓ, આદિજાતિ વિકાસ સહિત વિવિધ યોજનાઓનાં લાભો અને તેનાથી આવેલા ફેરફારો વિશે જણાવ્યું  હતું.

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સહિતનાં મહાનુભાવોના હસ્તે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓને ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીના હસ્તે ખેરગામ તાલુકામાં વિકાસ કાર્યો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક વાંસદા પ્રાંત અધિકારીશ્રી  ડી.આઇ. પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં અંતમાં જિલ્લા કલેકટરશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

સ્વતંત્રતા દિવસની આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર,  ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, મદદનીશ કલેકટરશ્રી ઓમકાર શિંદે, નિવાસી અધિક કલેકટરશ્રી કિરીટસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, અગ્રણી શ્રી શીતલબેન સોની સહિતનાં વિવિધ પદાધિકારીઓ- વરિષ્ઠ અધિકારીઓ- કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ-નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!