GUJARATJETPURRAJKOT

Rajkot: કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે ‘સાગર પરિક્રમા’ પુસ્તક અને વીડિયોનું વિમોચન

તા.૧૫/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સાગર પરિક્રમા એ ફિશરીઝ મંત્રાલયને જમીન પર ઉતારવાનો ઉપક્રમ હતોઃ મંત્રીશ્રી રૂપાલા

મત્સ્યોદ્યોગ માટે ગુજરાત સરકારે બજેટમાં રૂ. ૧૩૦૦ કરોડની માતબર રકમ ફાળવીઃ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનો શુભેચ્છા સંદેશ

Rajkot: કેન્દ્ર સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ આજે રાજકોટમાં “સાગર પરિક્રમા પુસ્તક તથા વીડિયો” લોન્ચ કર્યો હતો. અને દેશના વિવિધ રાજયોના દરિયામાં ૭૯૮૬ કિલોમીટરની પોતે કરેલી ‘સાગર પરિક્રમા’ની ફલશ્રુતિ વર્ણવી હતી.

રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, કેન્દ્રના મત્સ્ય અને પશુપાલન મંત્રાલયના અધિકારીઓ, કોસ્ટ ગાર્ડ તેમજ અન્યોના સહયોગ અને જહેમતથી આ સાગર પરિક્રમા સંપન્ન થઈ છે. જે દરમિયાન દેશના દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા માછીમારોની મુશ્કેલી જાણવા મળી છે. આ ‘સાગર પરિક્રમા’ એ ફિશરીઝ મંત્રાલયને જમીન પર ઉતારવાનો ઉપક્રમ હતો. ૪૪ દિવસની આ યાત્રામાં તમામ રાજ્ય સરકારો, માછીમાર એસોસિએશન તેમજ સમુદાયનો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે. આ માટે તેમણે સૌને અભિનંદન પાઠવ્યા હતા તથા તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો.

પરિક્રમા દરમિયાન થયેલા વિવિધ અનુભવોનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રી રૂપાલાએ કહ્યું હતું કે, અનેક જગ્યાઓએ માછીમારોની સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો છે. તથા કેન્દ્ર સરકારે માછીમારોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે અમલી બનાવેલી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ વગેરેની માહિતી દેશના તમામ માછીમાર સમુદાયો અને એસોસિએશન સુધી પહોંચાડવા અધિકારીઓને સૂચના પણ આપી છે.

આ તકે રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો કે, દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે, ત્યારે ૨૧મી સદીમાં બ્લૂ રિવોલ્યૂશન ખૂબ મહત્વનું છે. આ આ દિશામાં કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલાએ ‘સાગર પરિક્રમા’ થકી ભગીરથ પુરુષાર્થ કર્યો છે. ગુજરાત સરકારે આ વર્ષના બજેટમાં મત્સ્યોદ્યોગ માટે રૂ. ૧૩૦૦ કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે. તથા ડીપ-સી ફિશિંગ, કેજ કલ્ચર પ્રોસેસિંગ અને અન્ય અનેક યોજનાઓમાં સબસિડી સ્વરૂપે માછીમારોને મળતી સહાયના કારણે મત્સ્ય ઉત્પાદન વધ્યું છે.

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, પહેલી વાર એવું બન્યું છે કે, કોઈ મંત્રીએ દેશના કુલ ૮૧૧૮ કિલોમીટરના દરિયાઈ માર્ગમાંથી ૭૯૮૬ કિલોમીટરની સાગર પરિક્રમા કરી છે. ગરીબોના ઉદ્ધારના સિદ્ધાંત સાથે શરૂ કરાયેલી આ ‘સાગર પરિક્રમા’ સૌ માટે પ્રેરણારૂપ છે.

આ તકે હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહાસચિવ સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે, કુદરતની રચનામાં સર્વત્ર સર્વગ્રાહી વિકાસ હોય છે. આ જ બાબત દેશને લાગુ પડે છે. એક સમય હતો કે, એક ઈન્ડિયામાં બે ઈન્ડિયા હતા. એક શહેરી વિસ્તાર, જેના મૂલ્યો, જીવનશૈલી અલગ હતા અને વિકાસ શહેર કેન્દ્રી હતો. જ્યારે એક ભાગ એવો હતો કે, જ્યાં વિકાસ નહોતો પહોંચતો. છેલ્લા ૧૦ વર્ષથી દેશ અને સમાજના પ્રત્યેક અંગનો વિકાસ કરવાની દરકાર વર્તમાન કેન્દ્ર સરકાર કરે છે.

જાણીતા લેખક જય વસાવડાએ કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં દશાવતારની શરૂઆત મત્સ્ય અવતારથી થઈ હતી. જ્યારે જીવ ઉત્ક્રાંતિમાં પ્રથમ જીવનો ઉદભવ પણ સમુદ્રમાં થયો હતો. દશાવતારમાં પણ ઉત્ક્રાંતિની આ ધારા જોવા મળે છે. ગીતમાં કહ્યું છે કે, કર્મ અને જ્ઞાન એ તમારી ભક્તિ છે અને જ્ઞાનકર્મની ભક્તિરૂપે જ ‘સાગર પરિક્રમા’ પુસ્તક મળ્યું છે. આપણા જાણીતા લેખકો ગુણવંતરાય આચાર્યએ સાગરની સાહસકથાઓ અને ઝવેરચંદ મેઘાણીએ સાગરકાંઠાના લોકગીતો લખ્યા છે. હવે આપણે ગર્વથી કહી શકીએ કે, આપણી પાસે એક એવા ગુજરાતી નેતા છે, જેમણે આખા દેશના સાગરની પરિક્રમા પૂર્ણ કરી છે. આ પરિક્રમા થકી દેશના સાગરકાંઠે વસતા નાગરિકો દેશની સાથે જોડાશે, એ આ યાત્રાનો પરિપાક છે.

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રાલયના સંયુક્ત સચિવ સુશ્રી નીતુકુમારી પ્રસાદે ‘સાગર પરિક્રમા’ની ભૂમિકા આપતાં કહ્યું હતું કે, દેશના મત્સ્યોદ્યોગની ક્ષમતા પારખતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૯માં મત્સ્ય, પશુપાલન મંત્રાલયની સ્થાપના કરી હતી. દેશભરના માછીમારો, મત્સ્ય ઉત્પાદકો સાથે સીધો સંપર્ક-સંવાદ સ્થાપિત કરવાના હેતુથી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ માર્ચ ૨૦૨૨માં ગુજરાતના માંડવીથી આ પરિક્રમા શરૂ કરી હતી અને પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં વિરામ પામી હતી. આ દરમિયાન દેશના સાગરકાંઠાના ૮૨માંથી ૮૦ જિલ્લા, ૩૪૭૭ ગામોમાંથી ૩૦૭૧ ગામો અને દેશના ૮૧૧૮ કિલોમીટર સમુદ્રી ક્ષેત્રમાંથી ૭૯૮૬ કિલોમીટરની યાત્રા કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ કરી છે.

આ તકે કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રાલયના સચિવ શ્રી અભિલક્ષ લેખીએ ઓનલાઈન પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જ્યારે નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડના એક્ઝિક્યુટિવ ડૉ. એલ.એન. મૂર્તિએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાના ધર્મપત્ની શ્રીમતિ સવિતાબહેન રૂપાલા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા અને શ્રી રામભાઈ મોકરિયા, રાજકોટના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતિ પ્રવીણાબહેન રંગાણી, ધારાસભ્યો સર્વ શ્રી ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબહેન શાહ, શ્રી રમેશભાઇ ટીલાળા, શ્રી કંચનબેન રાદડીયા, જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, અગ્રણી ડો.ભરત બોઘરા, શ્રી ભરત પંડ્યા, શ્રી મુકેશભાઈ દોશી, માછીમાર અગ્રણી શ્રી વેલજીભાઈ મસાણી, માછીમાર સમુદાયના લોકો, અગ્રણીઓ તેમજ દેશના વિવિધ સાગરકાંઠા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માછીમારો ઓનલાઈન જોડાયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!