JETPURRAJKOT

શાળા નં. ૮૫ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે આઈ.ટી.આઈ. રાજકોટની મુલાકાત લેતાં રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અતુલ પંડિત

તા.૧૧ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) રાજકોટ ખાતે ચાલતાં જુદા જુદા ૨૬ જેટલા ટેકનિકલ કોર્સની પ્રત્યક્ષ જાણકારી મેળવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળા નં. ૮૫ નાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી.

ભારત સરકારની નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળાકીય અભ્યાસક્રમની સાથે સાથે કૌશલ્ય આધારિત વ્યવસાયલક્ષી ટેકનિકલ વિષયો અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવનાર છે ત્યારે ધોરણ ૮ અને ૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની રુચિ અનુસાર રેગ્યુલર વિષયો સાથે ટેકનિકલ વિષયો પણ પસંદ કરી શાળાકીય અભ્યાસ દરમ્યાન જ બેઝિક તાલીમ મેળવે જે ભવિષ્યમાં એડવાન્સ ટ્રેનિંગ કોર્ષ આઈ.ટી. આઈ./ડીપ્લોમાના ટેકનિકલ કોર્સમાં રેગ્યુલર પ્રવેશ મેળવે ત્યારે વધુ ઉપયોગી નીવડે તેવા શુભાશયથી આ મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાતમાં શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અતુલ પંડિત પણ ભૂલકાંઓની સાથે મુલાકાતે પધાર્યા હતા. મુલાકાત દરમિયાન ચેરમેનશ્રી, શિક્ષકો અને શાળાના બાળકોએ ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટમાં ચાલતા જુદાં જુદા ૨૬ થી વધુ ટેકનિકલ કોર્સમાં સમાવિષ્ટ બાબતો, એડમિશન પ્રક્રીયા, રોજગારીની તકો, અભ્યાસ દરમિયાન ચાલતી ઓન જોબ ટ્રેનીંગ અને ડ્યુઅલ સીસ્ટમ ટ્રેનીંગ, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના તદુપરાંત માત્ર મહિલાઓ માટે ચાલતી મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ સહિતની સંસ્થાની કામગીરીની વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન સંસ્થાના આચાર્યશ્રી સાગર રાડીયા તેમજ સિનિયર ફોરમેનશ્રી ભારડીયાના માર્ગદર્શન હેઠળ દરેક વર્કશોપમાં ચાલતી કામગીરીને આમંત્રિતોએ રસપૂર્વક નિહાળી હતી. ચેરમેનશ્રીએ દીકરાઓની સમકક્ષ દરેક અભ્યાસક્રમમાં દીકરીઓ પણ વધુમાં વધુ પ્રવેશ મેળવે તે માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા. સમગ્ર મુલાકાત દરમિયાન સંસ્થાના જુદા જુદા સ્ટાફે દરેક બાબતોનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવા જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓને આપેલા સચોટ માર્ગદર્શન માટે શાળાનાં શિક્ષણગણએ આઈ.ટી.આઈ ના આચાર્યશ્રી સાગર રાડિયા તથા તમામ સ્ટાફગણનો આભાર માન્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!