વલસાડમાં ટીબીના દર્દીની સારવારમાં મદદરૂપ થતા નિક્ષય મિત્રોના સન્માન સાથે વિશ્વ ક્ષય દિવસ ઉજવાયો

0
57
વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા પંચાયતની સભામાં ટીબીના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી મશીનની મંજૂરી મળતા ફાયદો થશેઃ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની

— હવે લોકોને પણ અહેસાસ થયો કે, સરકારી દવા સારામાં સારી છેઃ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૪ માર્ચ

ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૨૪ માર્ચને શુક્રવારે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી વલસાડના અબ્રામા રોડ પર સ્થિત ઓરીઝોન હોટલમાં થઈ હતી. જેમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના હસ્તે ટીબીના દર્દીઓને દત્તક લઈ સારવારમાં મદદરૂપ થનાર નિક્ષય મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ જણાવ્યું કે, માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘટાડવા માટે સૌ પ્રથમ સરકારી દવાખાનાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓમાં અદ્યતન સુધારો કરવામાં આવ્યો છે. જેથી પ્રસુતિની કામગીરી વેળા મેડિકલ ઓફિસરોના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ઈમરજન્સી સંજોગોમાં ક્રિટીકલ કેસને પહોંચી વળવા માટે દરેક સરકારી દવાખાના પર એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. હાલમાં જે સરકારી દવાખાનામાં એમ્બ્યુલન્સની આવરદા પૂર્ણ થઈ છે ત્યાં નવી ૧૦ એમ્બ્યુલન્સ ફાળવાશે. કોઈ પણ કામ સરકાર, વહીવટી તંત્ર કે જિલ્લા પંચાયત એકલે હાથે નથી કરી શકતી, લોકોની ભાગીદારી ખૂબ જ મહત્વની છે. સામાજિક સંસ્થા, એનજીઓ, લોકો અને ઈન્ડ્રસ્ટીઝની ભાગીદારી જે અભિયાનમાં વધી જાય તે અભિયાન સફળતાપૂર્વક પાર પડે છે. દર્દીના શરીરમાં રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણોની વધ-ઘટ જાણી સમયસર સારવાર કરી સ્વસ્થ જીંદગી જીવી શકે તે માટે ૧૨ સરકારી દવાખાનાઓમાં સેલ કાઉન્ટર મશીન મુકાયા છે. જિલ્લા પંચાયત દ્વારા આયોજન કરાયું છે કે, તમામ પીએચસી અને સીએચસી ઉપર પણ સેલ કાઉન્ટર મશીન ઉપલબ્ધ કરાવાશે. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિકાસના કાર્યોના ભાગરૂપે એક્સડીઆર જીન એક્ષપર્ટ મશીનની પણ મંજૂરી મળી છે. વ્યકિતગત લોકો, સંસ્થા અને ઈન્ડ્રસ્ટીઝના સંચાલકોએ ટીબીની ગંભીરતા સમજી નિક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓની સારવારમાં મદદરૂપ થઈ રહ્યા જે ખરેખર અભિનંદનને પાત્ર છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલે જણાવ્યું કે, વિશ્વ ટીબી દિવસની ઉજવણી પહેલા રેલી કાઢીને કે પોસ્ટર પ્રદર્શનથી કરાતી હતી પરંતુ હવે ખરા અર્થમાં ટીબી દિવસની ઉજવણી થઈ રહી છે. છેલ્લા ૫ વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી દવાખાનાઓમાં ટેક્નોલોજી અને સુવિધામાં વધારો થયો છે જેના થકી દર્દીનું ડાયગ્નોસીસ તુરંત થઈ જાય અને તેને જલદી સ્વસ્થ કરવામાં પણ સફળતા મળી રહી છે. હવે લોકોને પણ અહેસાસ થયો કે, સરકારી દવાખાનામાં મળતી દવા સારામાં સારી છે. ટીબીની સારવારમાં તો માત્ર ૬ મહિનામાં જ સારૂ રિઝલ્ટ મળી જાય છે.

વલસાડ જિલ્લા ક્ષય અધિકારી ડો.એચ.પી.સિંગે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૨માં ટીબીના નવા ૨૯૭૭ કેસ શોધવામાં આવ્યા હતા જેમાં સાજા થવાનો દર ૯૦ ટકા છે. આરોગ્ય વિભાગની ટીમ અને નિક્ષય મિત્રોની મદદથી આ સફળતા મળી છે. જિલ્લા પંચાયત દ્વારા અંદાજે રૂ. ૨૫ લાખના ખર્ચે એક્સડીઆર જીન એક્ષપર્ટ મશીન મળનાર છે તેનાથી દર્દીના ગળફામાં કેટલા જંતુ હશે તે ખબર પડશે. ડ્રગ રેસિસ્ટન્સમાં ફર્સ્ટ લાઈન ડ્રગ અસરકારક ન હોય તો આ મશીન તે પણ ચેક કરી શકે કે, દર્દીને કઈ દવા અસર કરી શકશે. સરકાર જે દવા આપે છે તે ઉત્તમ પ્રકારની છે જે દવા પ્રાઈવેટ હોસ્પિટલના દર્દીઓને આપવામાં આવે છે. ટીબી પ્રિવેન્ટીવ થેરાપીમાં એક વીકમાં એક ગોળી એમ ૩ માસમાં માત્ર ૧૨ ગોળી લેવાની હોય છે. છેલ્લા બે વર્ષમાં નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દર્દીને દર મહિને મળતી રૂ. ૫૦૦ની સહાય, ટ્રાયબલ વિસ્તારના દર્દીને એક વાર રૂ. ૭૫૦ ટ્રાવેલ એલાઉન્સ, ખાનગી હોસ્પિટલોમાંથી ડોક્ટરો ટીબીના દર્દીને ડાયગ્નોસીસ માટે સરકારી દવાખાનામાં મોકલે તો તેના રૂ. ૧૦૦૦ અને ડોટ્સ પ્રોવાઈડરને રૂ. ૧૦૦૦ની સહાય મળી કુલ રૂ. ૧ કરોડ ૧૫ લાખની રકમ લાભાર્થીને ચૂકવવામાં આવી છે. આગામી દિવસોમાં દરેક તાલુકામાં ટ્રુ નાટ મશીન ઉપલબ્ધ કરાશે જેનો લાભ પ્રાઈવેટ હોસ્પિટલના દર્દીઓને પણ મળશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના હસ્તે નિક્ષય મિત્રો અને શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મીઓનું પણ સન્માન કરાયું હતું. ટીબીની બિમારીથી સ્વસ્થ થયેલા દર્દીએ પણ સરકારની સહાય અને સારવારને બિરદાવી આભાર માન્યો હતો.આ સાથે ઉત્તરપ્રદેશના વારાણસીથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વન વર્લ્ડ ટીબી સમિટ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું. આ પ્રસગે વલસાડ આરોગ્ય શાખાના એડીએચઓ ડો.વિપુલ ગામીત, આરસીએચઓ ડો.એ.કે.સિંઘ, ડીએલઓ ડો.જયશ્રીબેન ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસરો, પ્રોગ્રામ ઓફિસરો, એનજીઓ અને કોર્પોરેટ સેક્ટરના નિક્ષય મિત્રો તેમજ આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેન્ચ્યુરીયન બલ્ડ ડોનર ભાવેશભાઈ રાયચાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ જિલ્લા ક્ષય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. પરિમલ પટેલે કરી હતી.

24 3 23 Vihwa Xay TB Divas Ujvani 6 24 3 23 Vihwa Xay TB Divas Ujvani 4 24 3 23 Vihwa Xay TB Divas Ujvani 5

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews