JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખનો અગતરાઈ જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ : સંગઠન મજબૂત બનાવવા અને સરકારી યોજનાઓના પ્રચાર પર ભાર

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ: આગામી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીઓના અનુસંધાને, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણાએ આજે કેશોદ તાલુકાની અગતરાઈ જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ કર્યો. આ પ્રવાસની શરૂઆત આસ્થાના કેન્દ્ર સમા નાગદેવતા શ્રીમાલબાપાના મંદિરે ધ્વજારોહણ અને સુખડી ચડાવીને કરવામાં આવી હતી.
ત્યારબાદ, શ્રી ચંદુભાઈ મકવાણાએ અગતરાઈ પટેલ સમાજ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પેજ સમિતિથી બુથ પ્રમુખ, બુથ સમિતિ, જિલ્લા પંચાયત સીટમાં આવતા સરપંચો, જિલ્લા, તાલુકા અને પ્રદેશના હોદ્દેદારો, સક્રિય સભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન, સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નો, ગામડાના લોકોને આવાસ યોજના કે અન્ય કોઈ પણ પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી, અને આગામી દિવસોમાં વધુમાં વધુ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખશ્રીએ આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને તેના માટે આયોજન પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સંગઠનના માધ્યમથી આ જિલ્લા પંચાયત સીટમાં સેવાકીય પ્રવૃત્તિઓ થાય અને લોકોને કોઈ હાલાકી ન પડે તે જોવાની જવાબદારી પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓની છે.
આ ઉપરાંત, આ જિલ્લા પંચાયત સીટ નીચે આવતી દરેક તાલુકા પંચાયત સીટોના ગામડાઓમાં કેન્દ્ર સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “વય વંદના કાર્યક્રમ” અંતર્ગત ૭૦ વર્ષથી ઉપરના તમામ લોકોના આયુષ્યમાન કાર્ડ નીકળી જાય તે સુનિશ્ચિત કરવાની વાત પણ કરવામાં આવી હતી. જિલ્લા અધ્યક્ષે સંગઠનના માધ્યમથી કરવાના કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ બેઠકમાં સમગ્ર જિલ્લા પંચાયત સીટના દરેક ગામમાંથી આગેવાનો, સરપંચો, અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ આ જિલ્લા પંચાયત સીટ ઉપર લહેરાશે તેવી ખાતરી આપી હતી. આ પ્રસંગે જિલ્લાના આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના સૌ હોદ્દેદારો, અને કેશોદ તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારીઓ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!