વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
તાજેતરમાં સર્વોચ્ચ અદાલત દ્વારા અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની અનામતમાં પેટા વર્ગીકરણ કરવા મામલે એક ચુકાદો આપ્યો છે. જેને લઈને આદિવાસી સમાજનાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આદિવાસી સમાજ દ્વારા 21 મી ઓગસ્ટનાં રોજ ભારત બંધનું એલાન પણ જાહેર કરેલ છે.ત્યારે સુબીર ગામના ગ્રામજનોએ આ બંધને સમર્થન આપ્યું છે.હાલમાં થોડા દિવસ અગાઉ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય વાય.ચંદ્રચૂડનાં વડપણ હેઠળની કુલ સાત જજોની બંધારણીય બેન્ચે છ વિરુદ્ધ એક મત થી અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની અનામતોમાં પેટા વર્ગીકરણ કરવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો છે.ત્યારે આ આદેશથી સમગ્ર દેશના SC/ST સમાજના લોકોમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.આ ચુકાદાથી સમગ્ર દેશમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે.આ ચુકાદાને ધ્યાનમાં રાખી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતમાં પેટા વર્ગીકરણ માટે નામદાર સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદા સાથે અસંમતિ દર્શાવવા સમસ્ત દેશના અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ દ્વારા 21મી ઓગસ્ટનાં રોજ ભારત બંધનું એલાન કરેલ છે.ત્યારે ડાંગ જિલ્લાના સુબીરના આગેવાનો, ગ્રામજનો, વેપારી મંડળ તથા આજુબાજુના વિસ્તારના વડીલો અને ભાઈ બહેનો દ્વારા આ બંધને સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવેલ છે. તેમજ સુબીરના આગેવાનો દ્વારા મામલતદારને આ અંગેનું આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યુ હતુ.