Rajkot: અંત્યોદય તેમજ બીપીએલ રેશનકાર્ડ ધારકોને ઓગસ્ટ માસમાં વધારાનું રાશન મળશે
તા.૧૯/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
તહેવાર નિમિત્તે ખાંડ, ચણા, તુવેરદાળ, સીંગતેલ સહિત વધારાના એક કિલો અનાજના જથ્થાનું વિતરણ કરાશે
Rajkot: આગામી દિવસોમાં તહેવારોને ધ્યાને લઈને અંત્યોદય તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવાપાત્ર થશે. જેમાં કુટુંબદીઠ એક કિલોગ્રામ ખાંડ, એક લીટર સીંગતેલ, એક કિલોગ્રામ ચણા, એક કિલોગ્રામ તુવેર દાળ તેમજ એક કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવશે. જ્યારે અંત્યોદય રેશનકાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાને લઈ અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ – ૨૦૨૫ માસમાં કરવામાં આવેલ છે
રાજકોટ જિલ્લામાં ૩,૨૨,૩૬૦ એન.એફ.એસ.એ. રેશનકાર્ડ અંતર્ગત ૧૩,૧૭, ૩૮૬ લાભાર્થીઓ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અનાજનો લાભ મેળવે છે. તેમ જ પરપ્રાંતીય અને આંતરજિલ્લાના એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધરાવતા કુલ ૧૫,૬૬૬ લાભાર્થીઓએ જૂન માસમાં ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના હેઠળ અત્રેના જિલ્લામાંથી લાભ મળેલ હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ જણાવ્યું છે.
આ ઉપરાંત, ગત જિલ્લા પુરવઠા અને નાગરિક સલાહકાર સમિતિની બેઠકમાં રાજકોટ જિલ્લામાં કુલ ૫ નવી વાજબી ભાવની દુકાનો ખોલવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હોવાનું પણ યાદીમાં જણાવાયું છે.