GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “ગણેશોત્સવની અનોખી ઉજવણી” ભારતીય સૈન્યને બિરદાવવા ‘ઓપરેશન સિંદૂર’ની થીમ સાથે સૈનિકના રૂપમાં બિરાજમાન ગણપતિ દાદા

તા.૩/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

શ્રી ગજાનંદ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશભક્તિ, સ્વચ્છતા અને નશામુક્તિના સામાજિક સંદેશ સાથે કરાયેલું પ્રેરણાદાયી આયોજન

સૈન્યના ગણવેશમાં ભગવાન ગણેશ સહિત આઈ.એન.એસ. વિક્રાંત, તેજસ ફાઈટર પ્લેન, બ્રહ્મોસ મિસાઈલ, વોચ ટાવર અને શસ્ત્રસજ્જ સૈનિકોની આબેહૂબ પ્રતિકૃતિ નિહાળવા રોજ ઉમટતી હજારોની મેદની

Rajkot: ભારતીય સૈન્ય દળોના શૌર્ય, શક્તિ, ક્ષમતા અને બહાદુરી આપણે સૌએ ‘ઓપેરશન સિંદૂર’ દરમ્યાન જોયા. આપણા સૈન્ય દળોના સમર્પણ, બલિદાન અને કર્તવ્યનિષ્ઠાની સરાહના કરવા અને ગણેશ પંડાલની મુલાકાતે આવતા ભાવિક ભક્તજનો, બાળકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય માણસોને પણ આ અંગે એક સંદેશ આપતા ગણપતિ ઉત્સવ નિમિત્તે વિવિધ પંડાલ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર સજાવવામાં આવ્યા છે.

રાજકોટના મોરબી રોડ પર રેલવે ફાટક પાસે ઓમનગર રોડ પર આર.ડી. સોસાયટીમાં આયોજિત ગણપતિ મહોત્સવમાં વિશાળ પંડાલમાં એક તરફ ભારતીય સૈન્યની તાકાત દર્શાવતી લશ્કરી છાવણી છે. આઈ.એન.એસ. વિક્રાંત જહાજ, તેજસ ફાઈટર પ્લેન, બ્રહ્મોસ મિસાઈલ તેમજ ટેન્ક, એરોપ્લેન, બંકર, સૈન્યના જવાનો બધું જ નાના મોડેલ સ્વરૂપે અહીં દર્શાવાયું છે. વચ્ચે સરહદ અને સામે તરફ પાકિસ્તાનનો સરહદી વિસ્તાર. ઓપરેશન સિંદૂરનો સમગ્ર ઘટનાક્રમ અહીં દર્શાવ્યો છે.

જયારે મધ્યમાં મુખ્ય સ્ટેજ પર લશ્કરી ગણવેશમાં ગણેશજી દાદા બિરાજમાન છે. ગણેશજી સાથે ભારત માતા અને શહીદ ભગતસિંહનું વિશાળ કદનું સ્ટેચ્યુ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગમાં રંગી રહ્યા છે.

અમારી સોસાયટીમાં છેલ્લા ૧૦ વર્ષથી ગણપતિ મહોત્સવની અલગ અલગ થીમ સાથે ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ઓપરેશન સિંદૂરને કારણે અમે તે થીમ બે મહિના પહેલા જ નક્કી કરી હતી. આ થીમમાં યુદ્ધના બધા મોડેલ અને સજાવટ થર્મોકોલમાંથી તૈયાર કરવામાં બે મહિના જેટલો સમય લાગ્યો છે. જેને તૈયાર કરવામાં ૩૦ થી વધુ બાળકો, યુવાનો જોડાયા હતાં. આ ઉપરાંત ઓપરેશન સિંદૂર પર અમે એક ખાસ વિડિયો ફિલ્મ બનાવી છે, જે વધુ પ્રભાવક રીતે દર્શકોને માહિતગાર કરી રહી છે. આ ફિલ્મ અમે અહીં દર્શન માટે આવતા બાળકો અને તેમના પરિવારજનોને ખાસ દેખાડીએ છીએ તેમ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

માત્ર એટલું જ નહીં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમલી બનાવાયેલી સ્વચ્છતા ઝુંબેશને વધાવી લઈ અમે ૧૮ પગલાં સ્વચ્છતા અભિયાન શરુ કર્યું છે. જેમાં ૧૮ જેટલા યુવાનો ઘરે ઘરે જઈ સ્વચ્છતાના ૧૮ નિયમો પ્લે કાર્ડ સાથે સમજાવશે, તેમ તેમણે જણાવ્યું છે.

મહોત્સવ દરમ્યાન અનેક લોકો દર્શનાર્થે આવતા હોઈ નશામુક્તિ માટે અમે એક સ્ટોલ બનાવ્યો છે. જેમાં તમાકુ સંલગ્ન પ્રોડક્ટના સેવનથી થતું નુકશાન અને સામે આરોગ્યપ્રદ ખોરાકના ફાયદા દર્શાવતી ખાદ્ય સામગ્રી રાખેલી છે. જેથી લોકોને નશામુક્તિનો સાચો સંદેશ આપી શકાય. સામાજિક કાર્યમાં અગ્રેસર શ્રી ગજાનંદ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૯૬ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હોવાનું પ્રમુખશ્રીએ જણાવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી કરનાર આયોજકોને આ વર્ષે ખાસ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવનાર છે, ત્યારે રાજકોટમાં ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક જ ન રહેતાં દેશભક્તિ, સામાજિક જાગૃતિ અને સ્વચ્છતાની થીમ પર થયેલા વિશિષ્ટ આયોજનો સાચા અર્થમાં પ્રેરણાદાયી બન્યા છે.

Back to top button
error: Content is protected !!