વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સિવિલ હોસ્પિટલ આહવા અને પ્રયોશા પ્રતિષ્ઠાન આહવા ડાંગ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સરકારી વિનયન કોલેજ સુબીર ખાતે ‘૧૦ સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની’ ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સિવિલ હોસ્પિટલ આહવાના સાયકોલોજીસ્ટ ડૉ.ભાવિકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાથે કાઉન્સેલર આશિષભાઈ એમ વળવી અને પ્રયોશા પ્રતિષ્ઠાન ના કોર્ડીનેટર શ્રી દિનેશભાઈ એસ. ઠાકરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ સરકારી વિનયન કોલેજ સુબીરના આચાર્યશ્રી ડૉ યુ. કે. ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન કોલેજના સિનિયર પ્રધ્યાપક શ્રી પી.એમ ઠાકરેએ મહેમાનોનું સ્વાગત પરિચય આપી “વિશ્વ આપઘાત નિવારણ દિવસની મુખ્ય થીમ એક મિનિટ લઈ જિંદગી બદલ શો” આધારિત ચર્ચા કરવામાં આવી હતી. અને આત્મહત્યા અંગે ફ્રેન્ચ સમાજશાસ્ત્રી ઈમાઈલ દુર્ખાઈમ એ આપેલા આપઘાતના કારણો અને તેના તારણોની વિસ્તૃત ચર્ચા કરી હતી. વિશેષમાં આપઘાત નિવારણ માટે કુટુંબીજનો કે સ્નેહીજનો શું કરી શકે છે! તેની પણ ચર્ચા કરી હતી. તેમજ જનરલ હોસ્પિટલ આહવાના સાયકોલોજીસ્ટ ડૉ.ભાવિકાબેન પટેલ દ્વારા આત્મહત્યાના જુદા જુદા કારણોની ઉદાહરણ સહિત સમજૂતી આપી હતી તેમણે જણાવ્યું કે, કોઈ વ્યક્તિ આત્મહત્યાનું વિચાર આપણી સમક્ષ રજૂ કરે તો તેને મજાકમાં લેવું નહીં પરંતુ તેને આમ ના કરવા માટેનું સાચું માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ તેના વિશેની માહિતી આપવામાં આવી. આ સિવાય એમણે જુદા જુદા માનસિક રોગોની પણ માહિતી રજૂ કરી હતી. સાથે માનસિક રોગોના નિવારણ માટેના ટેલી માનસ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૪૪૧૬ વિશેની જાણકારી આપી હતી. આ ટોલ ફ્રી નંબરમાં કરેલ વાતચીત ગુપ્ત રહે છે. જેથી વ્યક્તિ વિના સંકોચે પોતાની સમસ્યા રજૂ કરી શકે એ આ નંબરની વિશેષતા છે એમ પણ તેઓએ જણાવ્યું હતું.
વિશ્વ આપઘાત નિવારણ દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રદર્શન અને રંગોળી સ્પર્ધા પણ યોજવામાં આવી હતી જેમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તરીકે ડાયરીનો વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુબીર કોલેજના પ્રાધ્યાપિકા સુરેખાબેન ગાઢર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ કોલેજની પ્રાધ્યાપિકા શ્રીમતી જ્યોતિબેન ગાવિત દ્વારા કરવામાં આવી હતી.