આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ– ૨૦૨૫ અંતર્ગત પોસ્ટકાર્ડ કેમ્પેઇનની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં આવેલ તમામ સહકારી સંસ્થાઓના સભાસદો મારફત યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભાર વ્યકત કરવા માટે પોસ્ટકાર્ડ કેમ્પેઇન સહકારી સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે જૂનાગઢ તાલુકામાં આવેલ કાથરોટા ગામમાં સ્થિત શ્રી કાથરોટા સહકારી દૂધ ઉત્પાદક મંડળી દ્વારા આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા.જેમાં તેઓએ કેન્દ્રીય સરકારની વિવિધ કલ્યાણકારી, સહાયકારી અને દૂરંદેશી સુવિધાઓ, સેવાઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.આ તકે શ્રી કાથરોટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ શ્રી ચેતનભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનાથી વિવિધ સહકારી મંડળીઓના સભાસદો, ખેડૂતો, છેવાડાના માનવીને ઘણો ફાયદો મળ્યો છે. તાજેતરમાં સહકારી ક્ષેત્રમાં વિવિધ શેર્સ બહાર પાડવામાં આવ્યા છે. જેનું તમામ લાભાર્થીઓ,સભાસદોને વિતરણ કરવામાં આવશે.તેનાથી અનેક લોકોને ફાયદો થયો છે.આપણા વડાપ્રધાનશ્રી ભવિષ્યમાં પણ આવી જ સહાયકારી યોજનાઓ અમલમાં મૂકે તેમ અમે આશા વ્યક્ત કરીએ છીએ.તેમજ શ્રી કાથરોટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંંત્રી રાજેશભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સહકારથી સમૃદ્ધિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેના લીધે ગામડામાં સહકારી ક્ષેત્રમાં ખુબ પ્રગતિ થઇ છે. કેન્દ્રીય સહકારિતા મંત્રાલય દ્વારા પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તેનાથી દૂધ ઉત્પાદકોને ઘણી મદદ મળી રહે છે. કિસાન ક્રેડિટ કાર્ડ જેવી સુવિધાઓથી ગ્રાહકોને ઘણો ફાયદો મળે છે. તેથી હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું.કાથરોટા ગામના લાભાર્થી અને ખેડૂત કિરીટભાઈ સીદપરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની દૂરંદેશીના પગલે અમને સમયસર ધિરાણ, પાણી, ખાતર, બિયારણ મળી રહે છે. તેના માટે અમારે દૂર સુધી હવે ધક્કો ખાવો પડતો નથી. હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું.ઉપરોક્ત બેઠક દરમિયાન શ્રી કાથરોટા દૂધ મંડળીના સભાસદો, ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને આજુબાજુના ગામના લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ