ઈઝરાયેલે ગાઝા પર ફરીથી કર્યો હવાઈ હુમલો, 32 લોકોના મોતની આશંકા
ઈઝરાયલના હવાઈ હુમલાથી ગાઝા ધણધણી ઉઠ્યું છે. ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, આ હવાઈ હુમલામાં રાત સુધીમાં ઓછામાં ઓછા 32 લોકોના મોત નીપજ્યા છે. યુદ્ધ વિરામ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણની સ્થિતિ છે, તેવા સમયે ઈઝરાયલે ગાઝા પર હવાઈ હુમલો કર્યો. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હજુ પણ યુદ્ધ યથાવત રાખવાના પક્ષમાં છે.
મધ્ય અને ઉત્તરી ગાઝામાં શનિવારે(27 સપ્ટેમ્બર) થયેલા હવાઈ હુમલામાં અનેક લોકોના પોતાના ઘરમાં જ મોત થયા. અલ-અવદા હોસ્પિટલના કર્મચારીના જણાવ્યા અનુસાર, નુસેરાત શરણાર્થી શિબિરના એક જ પરિવારના 9 લોકોના જીવ ગયા છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે નેતન્યાહૂએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, ‘હમાસ સામે પૂરી રીતે કામ ખત્મ કરવા ઈચ્છીએ છીએ.’
ઈઝરાયલ પર યુદ્ધ વિરામ કરવા માટે આંતરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે. વિશ્વભરના ઘણા દેશોએ તાજેતરમાં પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા આપી છે, જેને ઈઝરાયલ સ્વીકારતું નથી. યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઘણા દેશો દ્વારા ઈઝરાયલ પર યુદ્ધવિરામ માટે દબાણ કરવા વિનંતી કરવામાં આવી છે. શુક્રવારે, ટ્રમ્પે વ્હાઇટ હાઉસના લોનમાં જણાવ્યું હતું કે, તેમને આશા છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ગાઝામાં સંઘર્ષ ઓછો કરવા અને બંધકોને પાછા લાવવા માટે એક કરારની નજીક છે.
સોમવારે ટ્રમ્પ અને નેતન્યાહૂની મુલાકાત થવાની છે. ટ્રમ્પે શુક્રવારે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, ‘ગાઝાને લઈને અનેક દેશો સાથે ચર્ચા શરૂ છે.’ આ દરમિયાન ઈઝરાયલે ગાઝામાં જમીની કાર્યવાહી વધુ તેજ કરી દીધી છે. જ્યારે બીજી તરફ, માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બની છે. આમ છતાં, ઈઝરાયલ ગાઝા શહેર પર વધુ એક મોટા જમીની હુમલાની તૈયારી કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ પ્રદેશ દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો ભાગી ગયા છે. જેમાં સ્થળાંતર ન કરી શકતાં આશરે 7 લાખ જેટલાં લોકો હજુ ત્યાં ફસાયા હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, શનિવારે સવારે ગાઝા સિટીના તુર્ફા વિસ્તારમાં એક ઘર પર થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગે બાળકો અને મહિલાઓ હતા. તમામ મૃતકોના મૃતદેહને અલ-અહલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ઈઝરાયલના અભિયાનમાં અત્યારસુધીમાં 65 હજારથી વધુ લોકોના મોત થયા છે અને 1.67 લાખથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં લગભગ અડધા મહિલાઓ અને બાળકો છે. જોકે મંત્રાલય હમાસના નિયંત્રણ હેઠળ છે, તેમ છતાં યુએન એજન્સીઓ અને સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા તેના આંકડા હજુ પણ સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે.