અમદાવાદમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી સેવા શરૂ
પોસ્ટ ઓફિસ દ્વારા શહેરના ૧૩ લાખ લાભાર્થીઓને વિના મૂલ્યે સુવિધા
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની પ્રક્રિયા વધુ ઝડપી અને સુલભ બનાવવા માટે અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ દ્વારા ઇ-કેવાયસી સેવા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ અન્ન ભંડાર/સસ્તા અનાજની દુકાનો પાસે કેમ્પનું આયોજન કરી લાભાર્થીઓને વિનામૂલ્યે e-KYC સેવાઓ આપવામાં આવશે.
ભારતીય ટપાલ વિભાગને ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતો વિભાગ દ્વારા રેશનકાર્ડના e-KYCની કામગીરી સોંપવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદ શહેરના આશરે ૧૩ લાખ નાગરિકોને લાભ મળશે.
પોસ્ટમેન દ્વારા ઘેરબેઠાં e-KYCની સુવિધા
નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA), ૨૦૧૩ હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓ માટે એક વધુ મહત્વપૂર્ણ સગવડ શરૂ કરવામાં આવી છે. હવે પોસ્ટમેન ઘરે જ આવી રેશનકાર્ડ ધારકોની e-KYC પ્રક્રિયા પૂર્ણ કરશે અને તે પણ કોઈપણ ચાર્જ લીધા વગર. રેશનકાર્ડ ધારકો તેમના આધારકાર્ડ, રેશનકાર્ડ અને આધાર સાથે લિન્ક મોબાઇલ નંબર સાથે નજીકની ડિલિવરી પોસ્ટ ઓફિસે જઈને પણ e-KYCની પ્રક્રિયા પૂર્ણ કરાવી શકશે.
આ નવી સેવાથી લોકોની દફતરી પ્રક્રિયાઓ સરળ બનશે અને રેશનકાર્ડને લગતી સેવાઓ વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે.