દેશમાં વર્ષ 2023 માં 171418 લોકોએ આત્મહત્યા કરી તેમાં 66 ટકાની વાર્ષિક આવક 1 લાખથી પણ ઓછી
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ વર્ષ ૨૦૨૩ના દેશભરના આંકડા જાહેર કર્યા છે. ખેડૂતો, વિદ્યાર્થીઓની આત્મહત્યા, મહિલાઓ પર અત્યાચાર સહિતના જે આંકડા જાહેર થયા છે તેમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ સત્તાવાર આંકડા મુજબ વર્ષ ૨૦૨૩માં ખેતી સાથે સંકળાયેલા 10700 લોકોએ આત્મહત્યા કરી લીધી, જેમાં 4630 ખેડૂતો અને 6096 ખેતમજૂરોનો સમાવેશ થાય છે. જ્યારે વર્ષ 2023 માં કુલ 171418 લોકોએ આત્મહત્યા કરી તેમાં 66 ટકાની વાર્ષિક આવક એક લાખથી પણ ઓછી છે.
ખેડૂતો અને ખેત મજૂરોની આત્મહત્યામાં 38 ટકા સાથે મહારાષ્ટ્ર પ્રથમ, 22 ટકા સાથે કર્ણાટક બીજા અને 8 ટકા સાથે આંધ્ર પ્રદેશ ત્રીજા ક્રમે છે. આ સાથે જ દેશભરમાં વર્ષ 2023 માં થયેલી આત્મહત્યાના કુલ આંકડા પણ જાહેર કરાયા છે, જે મુજબ વર્ષ 2023 માં દેશભરમાં કુલ 171418 લોકોએ આત્મહત્યા કરી હતી જેમાં 66 ટકા એટલે કે આશરે 113416 લોકો એવા છે કે જેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી પણ ઓછી હતી. આ આત્મહત્યા કરનારાઓમાં ખેડૂતો ઉપરાંત વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ દેશમાં છેલ્લા 10 વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં ચિંતાજનક 64 ટકાનો વધારો થયો છે. વર્ષ 2013 થી 2023 એટલે કે 10 વર્ષમાં કુલ 117846 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું. વર્ષ પ્રમાણે નજર કરીએ તો 2023 માં 13892 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. આ આંકડો વર્ષ 2020 માં 12526 વર્ષ 2021 માં 13089 , વર્ષ 2022 માં 13044 નો હતો.
ભારતમાં કુલ આત્મહત્યાનું પ્રમાણ પાંચ વર્ષ (2019 થી 2023 )માં 23 ટકા વધ્યું જ્યારે વિદ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ પાંચ વર્ષમાં 34 ટકા વધ્યું. વર્ષ 2023 માં જે કુલ આત્મહત્યાઓ થઇ તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 8 ટકાથી વધુ છે. વર્ષ 2023 માં જે 13892 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી તેમાં 7330 છોકરા અને 6559 છોકરીઓનો સમાવેશ થાય છે. મોટી ચિંતાજનક વાત એ છે કે આત્મહત્યા કરી તેમાં અત્યંત યુવા વયના એટલે કે ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓનું પ્રમાણ 24 ટકા છે, 12 ધોરણ સુધીના 17 ટકા, પાંચ ધોરણ સુધીના 14 ટકા છે.
દેશભરમાં જે પણ 1.71 લાખથી વધુએ આત્મહત્યા કરી તેમાં 66 ટકાની વાર્ષિક આવક એક લાખથી પણ ઓછી, 28 ટકા એટલે કે 48432 ની એક લાખથી પાંચ લાખ વચ્ચે હતી. મૃતકોમાં માત્ર 5.5 ટકા જ ગ્રેજ્યુએટ કે તેનાથી વધુ શિક્ષણ મેળવ્યું હતું, મૃતકોમાં મોટો હિસ્સો 42238 લોકો એવા હતા કે જેમણે મેટ્રિક સુધી જ અભ્યાસ કર્યો હતો. બાળકો અને મહિલાઓ પરનો અત્યાચાર પણ વધ્યો છે. વર્ષ 2023 માં બાળકો પર અત્યાચારના કુલ 177335 કેસો નોંધાયા હતા, જે વર્ષ 2022 ની સરખામણીમાં 9 ટકા વધુ છે.
તેવી જ રીતે મહિલા વિરોધી ગુનાના 4.5 લાખ કેસો નોંધાયા તેમાં ઉત્તર પ્રદેશ 66318 કેસો સાથે પ્રથમ ક્રમે, 47 હજાર કેસો સાથે મહારાષ્ટ્ર બીજા અને 45450 કેસો સાથે રાજસ્થાન ત્રીજા ક્રમે છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસોમાં 29670 કેસો રેપના હતા. દહેજ મૃત્યુના પણ 6154 કેસો નોંધાયા હતા. આ તમામ કેસોમાં પતિ, સાસરિયા દ્વારા થતા ઉત્પિડન એટલે કે 498 એના કેસોની સંખ્યા સૌથી વધુ 133676 એટલે કે 19 ટકા છે.