BHARUCHGUJARAT

ઝઘડિયામાં બેફામ ટ્રક ચાલક સામે FIR:ફ્લાઈંગ સ્કોડને જોઈ ટ્રક રિવર્સ કરી ખાડામાં ઉતારી હતી, માનવવધના પ્રયાસ ગુનો નોંધાયો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક ટ્રક ચાલક સામે માનવવધના પ્રયાસ કરવાનો ગુનો નોંધાયો છે. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોના આધારે પ્રકાશમાં આવી છે. ઘટના ઝઘડિયા મામલતદાર કચેરી નજીક નદીના પુલ પાસે બની હતી. રાજપારડીથી ઝઘડિયા તરફ આવી રહેલી પીળા રંગની ટ્રક (નંબર GJ 13 AT 9191) ના ચાલકે અચાનક વાહન રિવર્સ કર્યું હતું. આ દરમિયાન ટ્રક ડિવાઈડર ઓળંગીને સામેની લેનમાં જતી રહી અને ઈલેક્ટ્રિક લાઈટના થાંભલા સાથે અથડાઈને રોડની સાઈડમાં આવેલા ખાડામાં પલટી ખાઈ ગઈ.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ટ્રક ચાલકે ઈરાદાપૂર્વક આ કૃત્ય કર્યું હતું. તેને જાણ હતી કે અચાનક ટ્રક રિવર્સ કરવાથી રાહદારીઓ, મોટરસાયકલ ચાલકો કે અન્ય વાહનો સાથે અકસ્માત થઈ શકે છે અને કોઈનું મૃત્યુ પણ નીપજી શકે છે. આમ છતાં તેણે આવું જોખમી કૃત્ય કર્યું. ઝઘડિયા પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને કારણે વિસ્તારના બેફામ વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો છે.

Back to top button
error: Content is protected !!