બોલિવૂડ અભિનેત્રી હેમા માલિનીએ મથુરા લોકસભા સીટ પરથી ચૂંટણી લડીને જીત મેળવી
બોલિવૂડ અભિનેત્રી હેમા માલિનીએ મથુરા લોકસભા સીટ પરથી ચૂંટણી લડીને જીત મેળવી છે. ધાર્મિક નગરી અને ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ મથુરા લોકસભા સીટ ઉત્તર પ્રદેશની હાઈપ્રોફાઈલ બેઠકોમાંથી એક છે. રાજકીય રીતે મથુરાનું કદ ત્યારે વધી ગયું હતું જયારે બોલિવૂડ અભિનેત્રી હેમા માલિનીએ અહીંથી ચૂંટણી લડીને જોરદાર જીત મેળવી હતી. મથુરા લોકસભા બેઠક પર લાંબા સમયથી ભાજપનો કબજો છે. આ વખતે પણ મથુરા બેઠક પરથી ભાજપે અભિનેત્રી હેમા માલિનીને ચૂંટણી મેદાન પર ઉતાર્યા છે. તેમની વિરુદ્ધ કુલ 14 ઉમેદવારો મેદાનમાં છે. એમાં કોંગ્રેસથી મુકેશ ધનગર, બહુજન સમાજ પાર્ટીથી સુરેશ સિંહ જેવા ઉમેદવારો મેદાને છે.
જો મથુરાના રાજકીય સમીકરણની વાત કરીએ તો 2014ની ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરીએ ભાજપના ઉમેદવાર હેમા માલિની સામે ચૂંટણી લડી હતી, પરંતુ આ વખતે રાષ્ટ્રીય લોકદળે એનડીએ સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય લડાઈ સામસામે લડનારા દિગ્ગજો હવે 2024ની લોકસભા ચૂંટણીમાં સાથે જોવા મળી રહ્યા છે. જયંત ચૌધરીએ હેમા માલિની સાથે પ્રચાર કર્યો અને મથુરાના લોકોને વોટ કરવાની અપીલ પણ કરી હતી. બીજી તરફ વિપક્ષના ઇન્ડિયા એલાયન્સ તરફથી કોંગ્રેસના ઉમેદવાર મુકેશ ધનગર મેદાનમાં છે, જ્યાં મુકેશ ધનગરને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું સમર્થન મળ્યું છે. જ્યારે BSP ઉમેદવાર સુરેશ સિંહ એકલા ચૂંટણી લડી રહ્યા છે કારણ કે BSPએ 2024ની લોકસભા ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન કર્યું નથી અને એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.ભાજપે મથુરા સીટથી પહેલીવાર 1991માં ચૂંટણી જીતી હતી. સાક્ષી મહારાજ સાંસદ બન્યા હતા. સાક્ષી મહારાજ બાદ સતત 3 વાર ચૌધરી તેજવીર સિંહ ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્ય હતા. 2004માં આ સીટ કોંગ્રેસના કબજમાં આવી ગઈ અને માનવેન્દ્ર સિંહ સાંસદ તરીકે ચૂંટાયા. 2009માં લોકદળના જયંત ચૌધરી વિજેતા બન્યા હતા. જયંત પછી હેમા માલિની સતત બે વાર ચૂંટણી જીતી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મથુરા સીટ માટે પહેલી લોકસભાની ચૂંટણીથી જ રાજકીય યુદ્ધ થતું રહ્યું છે. પહેલી અને બીજી લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે જીત નોંધાવી હતી. પરંતુ એ પછી 1962 અને 1977 સુધી ત્રણ વાર કોંગ્રેસે જીત નોંધાવી. 1977માં ચાલેલી સત્તા વિરોધી લહેરમાં કોંગ્રેસે અહીં હારનો સામનો કરવો પડ્યો અને ભારતીય લોકદળને જીત મળી.