GUJARATJETPURRAJKOT

રાજકોટમાં પહેલું અંગદાન ૨૦૦૬ માં થયેલું, અત્યાર સુધીમાં કુલ ૧૦૮ અંગદાન

તા.૧૨/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : રાજકુમાર

અકસ્માત બ્રેઈન ડેડ કે બ્રેઈન સ્ટ્રોકથી કોમાની પરિસ્થિતિમાં પરિવારજનોને અંગદાન માટે સંમિત આપવા અનુરોધ

SOTTOના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પાંચ વર્ષમાં ૧૨૦૭ અંગદાન અને ૩૬૭૩ ટ્રાન્સપ્લાન્ટ થયા

લોહીની જેમ માનવ અંગો પણ કૃત્રિમ રીતે વિકસાવી શકાતા નથી. હૃદય, કિડની, લીવર, ફેફસા સહિતના અંગોની ભારતમાં એક લાખથી વધુ લોકોને હાલ તાતી જરૂરિયાત છે. એક માણસના અંગદાનથી પાંચ લોકોની જીંદગી બચાવી શકાય છે, ત્યારે ઓર્ગન ડોનેશનની જાગૃતિ અર્થે આગામી ૧૩ ઓગસ્ટ વિશ્વ અંગ દાન દિવસ ”ડોનેટ ઓર્ગન – સેવ લાઈફ” ની થીમ સાથે ઉજવવામાં આવશે.

રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા સાથે સંકળાયેલા ગોકુલ હોસ્પિટલના ડો. તેજસ કરમટાએ અંગદાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં પહેલું અંગદાન વર્ષ ૨૦૦૬ માં થયેલું, હાલ સુધીમાં ૧૦૮ અંગદાન થયેલા છે. અંગદાન અંગે સમયાંતરે જે રીતે જરૂરિયાત ઉભી થઈ રહી છે તેને અનુલક્ષીને બહોળા પ્રમાણમાં જન જાગૃતિની જરૂરિયાત રહેલી હોઈ વર્ષ ૨૦૧૮ માં ડો. દીવ્યેશ વિરોજા (બી.ટી. સવાણી હોસ્પિટલ), ડો. સંકલ્પ વણઝારા (સ્ટર્લિંગ હોસ્પિટલ) ડો તેજસ કરમટા( ગોકુલ હોસપીટલ) સાથે સામાજિક કાર્યકરો વિક્રમભાઈ જૈન, નીતિનભાઈ ઘાટોલીયા, ભાવનાબેન માંડલિક અને મિત્તલભાઈ ખેતાણીએ સાથે મળી ફાઉન્ડેશન ઉભું કર્યું.

ડો. તેજસ કરમટા અંગદાનની ભૂમિકા અંગે જણાવતા કહે છે કે, આજથી ૨૦ વર્ષ પહેલા ફક્ત ચક્ષુદાન થતું. હવે હૃદય, કિડની, લીવર, ફેફસા જેવા અવયવો ઉપરાંત ચામડી, હાડકા ઉપરાંત આખા હાથનું પણ દાન શક્ય છે. સૌથી વધુ જરૂરિયાત હૃદય અને કિડનીની હોય છે. આજની સ્થિતિએ ભારતમાં એક લાખ લોકોને અવયવોની જરૂરિયાત રહેલી હોઈ વધુ ને વધુ લોકો આ અભિયાનમાં જોડાય તેવું ડો. કરમટાએ અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે હાલ ૨૦ હજારથી વધુ લોકો અમારા પ્રોગ્રામ થકી અંગદાન માટે જોડાયા છે.

રાજકોટના જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ ડો. રાજેશ તેલીના જણાવ્યા મુજબ અંગદાન માટે માત્ર લોકોમાં જ નહીં પરંતુ ડોક્ટર કક્ષાએ પણ જાગૃતિ જરૂરી છે. મહાનગરોને બાદ કરતા અન્ય શહેરમાં જયારે અકસ્માત કે બ્રેઈન સ્ટ્રોક, હાર્ટ સ્ટ્રોક કે હાઈપર ટેન્શન જેવી સ્થિતમાં બ્રેઈન ડેડ થકી કોમાની પરિસ્થિતમાં આવતા દર્દીઓના ૬ કલાક કે તેથી વધુ સમય બાદ અન્ય અંગો કામ કરતા બંધ થઈ જાય છે. તેવી પરિસ્થિતિમાં કન્સલ્ટેશન દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે યોગ્ય સમયમાં સમજાવવા જરૂરી છે. અંગદાન માટે નજીકની સંસ્થાનો સંપર્ક કરી માર્ગદર્શિકા મુજબ દાન થઇ શકે તેવા અંગોને ગ્રીન કોરિડોર થકી એર લિફ્ટ કરી લઈ જઈ શકાય તેવી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઉપલબ્ધ હોવી પણ એટલી જ જરૂરી છે.

આવનારા સમયમાં દર ચાર વ્યક્તિએ એક ડાયાબિટીસનો દર્દી હોવાની શકયતા છે, અને ડાયાબિટીસના દર્દીઓને કિડની ફેલ્યોરની સંભાવના વધશે. આમ આવનારા સમયમાં હાલ કરતા પણ વધુ લોકોને અંગદાનની જરૂરિયાત ઉભી થશે. વિશ્વના અન્ય દેશો કે જ્યાં ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ નથી તેવા દેશમાંથી આપણને અંગદાન મળે તેવા પ્રયાસો કરવા ડો. તેલીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સાથે રાજ્ય સરકાર સંયુકત રીતે આ અંગે વધુ ને વધુ લોકો જોડાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહયા છે. હાલમાં જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ અંગદાન અંગે જાગૃતિ વધે તે માટે ખાસ ઓરિએન્ટેશન પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. જેમાં કલેકટર શ્રી પ્રભવ જોશી સહીત રાજકોટ સિવિલના અધિક્ષકશ્રી ત્રિવેદીએ પણ સિવિલ ખાતે અંગદાન વધે તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

તાજેતરમાં ૧૩ મા રાષ્ટ્રીય અંગદાન દિવસે ગુજરાતને શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલને ત્રણ, SOTTO અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટને એવોર્ડ એનાયત કરાયા હતાં. SOTTO ના માર્ગદર્શનમાં રાજ્યમાં પાંચ વર્ષમાં ૧૨૦૭ અંગદાન અને ૩૬૭૩ ટ્રાન્સપ્લાન્ટ થયા છે.

 

અંગદાન પ્રક્રિયા

અંગદાન ઇચ્છુક વ્યક્તિએ એક ફોર્મ ભરી તેમની પ્રતિબદ્ધતા દર્શાવવાની હોય છે. તેમજ તેમના પરિવારજનોને આ અંગે અગાઉથી જાણ કરવાની રહે છે. જો તેઓનું આકસ્મિક મૃત્યુ થાય તો ડોક્ટર દ્વારા તેઓના પરિવારજનોની સહમતિ સાથે અંગ લેવામાં આવે છે.

અમદાવાદ સિવિલ ખાતે સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન કેન્દ્ર કાર્યરત છે. અહી અંગદાનનું ખાસ રજીસ્ટ્રેશન થાય છે. જરૂરિયાત મુજબ ડોનેટ અંગ અન્ય હોસ્પિટલ ખાતે ગ્રીન કોરીડોર દ્વારા હવાઈ માર્ગે પહોચાડવામાં આવે છે. આથી કોઈ જ અંગ અન્ય રીતે ગેરવલ્લે થાય તેવી કોઈ શક્યતા રહેલી નથી.

 

અંગદાન માટે જાગૃતિ

હજુ પણ લોકો સામાજિક અને ધાર્મિક ગેરમાન્યતા કે અંધવિશ્વાસને કારણે અંગદાન પ્રત્યે ઉદાસીન રહે છે. આ ગેરમાન્યતા સમજણપૂર્વક દૂર કરવી જરૂરી હોવાનું ડો. તેજસ જણાવે છે. સરકાર દ્વારા અંગદાન ઈચ્છુક માટે ડ્રાઈવિંગ લાઈસન્સમાં ઓ.ડી. માર્ક કરવામાં આવે છે.

 

અંગદાન કોણ કરી શકે ?

બ્રેઈન ડેડ વ્યક્તિ કે જેના અન્ય અવયવો કામ કરતા હોય તેવા લોકો જ અંગદાન કરી શકે. ખાસ કરીને ૬૫ વર્ષથી નીચેની વ્યક્તિઓ કે જેમનું રોડ અકસ્માતની ઘટનામાં બ્રેઈન ડેડ મૃત્યુ થાય તે કિસ્સામાં જ અંગદાન શક્ય છે. બી.પી., ડાયાબિટીસ સહિતના રોગ ધરાવતા લોકોના અંગ દાન નથી થઈ શકતા. જયારે ત્વચા દાન થઈ શકે છે. જેના માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તથા રેડક્રોસ સોસાયટીમાં સ્કિન બેન્ક ઉપલબ્ધ છે.

 

હૃદય અને ફેફસાનાં ટ્રાન્સપ્લાન્ટ થકી નવજીવન મેળવતી હેતલ રાયચુરા

યુવા વયે શરીરના બે-બે મહત્વના અંગ જેના ફેલ્યોર થઈ ગયેલા તેવી રાજકોટની હેતલ રાયચુરા અને તેમના પરિવારજનો માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ નવજીવન લાવ્યું છે. ગત તા. ૧૫ એપ્રિલ ૨૦૨૨ ના દિવસે હેતલને બે અંગ ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરાઈ. હાલ તંદુરસ્ત હેતલ જીંદગીને અલગ જ એન્ગલથી માણી રહી છે. તેણી જણાવે છે કે, બ્રેઈન ડેડ વ્યક્તિના મૃત્યુ બાદ અંતિમ ક્રિયામાં શરીર સાથે તેમના અવયવો પણ જતા રહેશે, તેના બદલે અંગદાન કરવાથી મારા જેવા પાંચ વ્યક્તિને નવજીવન મળી શકે. માટે અંગદાન કરવું જ જોઈએ તેમ હેતલ તેના જેવા અન્ય દર્દીઓ માટે પ્રાર્થના કરતા જણાવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!