I.N.D.I.A. બ્લોકની બેઠક પૂર્ણ, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું- ‘આ જનાદેશ મોદી વિરુદ્ધ’
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે ત્યારે ભાજપનું નેતૃત્વ ધરાવતા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ત્રીજી વાર બહુમતી હાંસલ કરી લીધી છે. આ દરમિયાન વિપક્ષની એક મહત્ત્વની બેઠક પણ યોજાઈ, જેમાં નીતીશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને એકનાથ શિંદે સહિતના નેતાઓએ વડાપ્રધાન મોદીને આ ગઠબંધનના નેતા તરીકે પણ પસંદ કરી લીધા છે. બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને I.N.D.I.A. બ્લોકની પણ મહત્ત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શરદ પવાર, અખિલેશ યાદવ તેમજ ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સહિતના અનેક વિપક્ષી નેતાઓ હાજર રહ્યા હતા.
E બેઠકના સમાપન બાદ ખડગેએ મીડિયાને સંબોધતા કહ્યું કે, ‘અમારી બેઠકમાં ગઠબંધન પક્ષના નેતાઓ દ્વારા વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને વર્તમાન પરિસ્થિતિ પર ઘણા સૂચનો મળ્યા અને ચર્ચા કરવામાં આવી હતી. અમે બધા સાથે મળીને કહેવા માંગીએ છીએ કે, ઈન્ડિ ગઠબંધનના પક્ષોને મળેલા વિશાળ સમર્થન માટે દેશના લોકોનો આભાર. જનાદેશે ભાજપ અને તેની નફરત અને ભ્રષ્ટાચારની રાજનીતિને જડબાતોડ જવાબ આપ્યો છે. આ જનાદેશ ભારતના બંધારણને બચાવવાનો અને મોંઘવારી, બેરોજગારી તેમજ ક્રોની કેપિટાલિઝમ સામે અને લોકશાહીને બચાવવાનો છે. ઈન્ડિ ગઠબંધન મોદીની આગેવાની હેઠળના ભાજપના ફાસીવાદી શાસન સામે લડવાનું ચાલુ રાખશે.’
લોકસભા ચૂંટણી 2024માં ચૂંટણી પંચના આંકડા પ્રમાણે એનડીએએ 292 બેઠકો જીતી છે, પરંતુ ભાજપ એકલા હાથે બહુમતી માટે જરૂરી 272 બેઠક હાંસલ કરી શક્યો નથી. ભાજપે ફક્ત 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે, જ્યારે I.N.D.I.A. ગઠબંધને 234 બેઠકો હાંસલ કરી છે. આ દરમિયાન વિપક્ષની બેઠક પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ તમામ રાજકીય પક્ષોને ઈન્ડિ બ્લોકમાં જોડાવાની ઓફર કરી છે.
ખડગેએ કહ્યું છે કે ‘I.N.D.I.A. ગઠબંધન તમામ રાજકીય પક્ષોનું સ્વાગત કરે છે, જે ભારતના બંધારણમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે તેમજ તેના આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાયના હેતુઓ માટે પ્રતિબદ્ધ છે. 18મી લોકસભા ચૂંટણીના પરિણામો અને જનાદેશ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં છે. એટલે તેઓ આ જનમતને નકારવાના શક્ય તમામ પ્રયાસ કરશે.’



